પાકિસ્તાનમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. સેના વડા આસિમ મુનીર પોતે ગોઠવેલા કાવતરામાં જ ફસાઈ રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડના માત્ર એક પખવાડિયા બાદ પાકિસ્તાની સેનાના નવ કમાન્ડરોમાંથી ચાર મુનીરના વિરોધી થઈ ગયા છે. આ કમાન્ડરોનું માનવું છે કે ઈમરાનની પાર્ટી પીટીઆઇના ટેકેદારો રસ્તા પર ઉતરી રહ્યા નથી પણ લોકોમાં સેના વિરુદ્ધ અંડરકરન્ટ જોવા મળી રહ્યો છે. જો પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં સ્થિતિ વણસી શકે છે.
આ દરમિયાન સેના અને સિક્રેટ એક્ટ કાયદાના બિલ પર સહી નહીં કરવાનું નિવેદન આપીને ચોંકાવનારા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલવી હાલ નજરકેદ જેવી સ્થિતિમાં છે. સંરક્ષણ ક્ષેત્રના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલવીનું સરકારી કામકાજ બ્રિગેડિયર રેન્કના અધિકારી સંભાળી રહ્યા છે. રવિવારે નિવેદન આપ્યા બાદ અલવી જાહેરમાં જોવા મળ્યા નથી. બીજી તરફ, રાષ્ટ્રપતિભવનમાં સૈનિકોની સંખ્યા પણ વધારવામાં આવી છે.
ઈમરાનનો ચૂંટણી લડવાનો નિર્ણય કોર્ટ કરશે
હવે શું: આઇએસઆઇ ચીફ અંજુમ પાસે ઉપાય છે | પાકિસ્તાનની સેનામાં નવ કમાન્ડર છે, જેમાંથી ચાર મુનીર વિરોધી બની ગયા છે. પાંચ હજુ પણ મુનીરની પડખે છે. સૂત્રોનું કહેવું છે કે આ પાંચ કમાન્ડરોમાં એક આઇએસઆઇ ચીફ નદીમ અંજુમ પણ છે. જો નદીમ પણ મુનીર વિરોધી બની જશે તો વિરોધીઓની સંખ્યા પાંચ થઈ જશે. એ પછી મુનીરની સત્તા ડગમગી જશે.