વૈશ્વિક સ્તરે ભારતમાં કોર્પોરેટ હાયરિંગ માટેનું સેન્ટિમેન્ટ સર્વાધિક સ્તરે રહ્યું છે. વર્ષ 2024ના પહેલા ક્વાર્ટર દરમિયાન મજબૂત માંગને ધ્યાનમાં રાખતા દેશની 37% કંપનીઓ તેમના સ્ટાફની સંખ્યા વધારવા માંગે છે. મેન પાવર ગ્રૂપ એમ્પ્લોયમેન્ટ આઉટલુકના અનેકવિધ સેક્ટર્સ અને પ્રાંતની 3,100 કંપનીઓને આવરી લઇને કરાયેલા સરવે અનુસાર 41 દેશોમાં ભારતમાં નેટ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સર્વાધિક હતું.
મેનપાવર ગ્રૂપ ઇન્ડિયા અને મિડલ ઇસ્ટના એમડી સંદીપ ગુલાટીએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે માંગ મજબૂત રહી છે અને દેશના અર્થતંત્રને વધુ આકર્ષક બનાવવામાં ખાનગી રોકાણ પણ ભાગ ભજવી રહ્યું છે. રાજકીય ક્ષેત્રે પણ સ્થિરતા સાથે, પ્રગતિશિલ ભારત એ માત્ર સપનું નથી પરંતુ વાસ્તવિકતા છે.
સૌથી મજબૂત એમ્પ્લોયમેન્ટ આઉટલુકમાં 37% સાથે ભારત અને નેધરલેન્ડ છે, ત્યારબાદ યાદીમાં 35% સાથે કોસ્ટા રિકા અને યુએસ બીજા ક્રમે છે અને 34% સાથે ત્રીજા ક્રમે મેક્સિકો છે. વૈશ્વિક સરેરાશ 26% છે. ફાઇનાન્સિયલ અને રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ આઉટલૂક મજબૂત રહ્યું હતું.