રામનાથપરામાં નવ વર્ષ પૂર્વે ભંગારની ફેરીના રૂપિયાની ઉઘરાણી માટે ગયેલા આધેડની છરીના ઘા ઝીંકી હત્યા થઇ હતી. આ કેસમાં અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ કર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
2015માં દૂધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા રફિકભાઇ ઇશાકભાઇ આકબાણી નામના આધેડ મયૂરનગરમાં રહેતા ઉકા ઉર્ફે સંજય ભૂપત પરમાર પાસે ભંગારની ફેરીના રૂપિયા માગતા હતા તે રૂપિયાની ઉઘરાણી માટે રફિકભાઇ આકબાણી પોતાના પુત્ર મોહસીન આકબાણી સાથે રામનાથપરા પુલના છેડે બેડીપરા વિસ્તારમાં ગયા હતા. ત્યારે સંજય પરમારે મિત્ર સુરેશ રાઠોડ રહે. ચુનારાવાડ સાથે મળી રફિક આકબાણીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી બન્ને આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.