રાજધાની દિલ્હીના એક કેસની સુનાવણી કરતા સુપ્રીમકોર્ટે કહ્યું કે ગેરકાયદેસર બાંધકામ અને દબાણ કાયમી સમસ્યા બની ગયા છે. તેના ઉકેલ માટે સેટેલાઈટ મેપિંગ અને જિયો ફેસિંગ જેવી ટેક્નિકનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે.
જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એ.એસ. ઓકાની બેન્ચે કહ્યું કે ગેરકાયદેસર બાંધકામ અને દબાણનો સામનો કરવા અને નિયમિત મોનિટરિંગ માટે આધુનિક ટેક્નિકનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. દિલ્હીના એક કેસની સુનાવણી કરતા બેન્ચે કહ્યું કે દબાણ પર નજર રાખવા માટે સેટેલાઈટ મેપિંગ ખૂબ જ જરૂરી છે. તેનો ઉપયોગ જળ સંરચનાઓ, વનવિસ્તાર વગેરે પર ગેરકાયદેસર દબાણ અને ખનન રોકવા માટે કરી શકાય છે. કોર્ટે તેના પર કાર્યવાહી કરી 4 અઠવાડિયાંમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.
આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે. કોર્ટે ઉચ્ચ ગુણવત્તાવાળા ડ્રોન કેમેરાની મદદથી ગેરકાયદેસર બાંધકામવાળી જગ્યાના ફોટા લેવા કહ્યું છે. આ વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમકોર્ટે રાજધાની દિલ્હીના વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોની નોંધ લીધી હતી.
કોર્ટે કહ્યું હતું કે સ્થાનિક તંત્ર અને પોલીસની મિલીભગત વિના એક પણ ઈંટ મૂકી શકાતી નથી. કોર્ટે આવા કેસો માટે ન્યાયિક સમિતિ બનાવવાનું કહ્યું હતું. ઓગસ્ટમાં જ કોર્ટે હાઈકોર્ટના 2 રિટાયર્ડ જજોની એક કમિટી બનાવી છે, જે તેના પર નજર રાખી રહી છે.