ગુજરાતમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, તેમાં પણ કિશોરો અને યુવાનોની સંખ્યા વધુ હોવાથી એક પ્રકારનું ભયનું વાતાવરણ સર્જાયું છે. સુરત, હિંમતનગર અને ખેડા જિલ્લામાં વધુ 5 વ્યક્તિનાં એકાએક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયાં હતાં. બીજી તરફ પાટણના સંડેરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે ખોડલધામના એક કાર્યક્રમમાં આ અંગે ચિંતા વ્યક્ત કરીને હાર્ટ એટેકથી મૃત્યુનાં કારણોનું સચોટ સંશોધન કરવા સૂચન કર્યું હતું.
સુરતના માંડવી તાલુકાના ખરાડા ગામના 37 વર્ષીય રત્નકલાકાર જીતેશ રાહજીભાઈ ચૌધરી શનિવારે કારખાનામાં કામ કરતા હતા ત્યારે બપોરે અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા. હૉસ્પિટલના લઈ જવાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. ઉનના વાડિયા નગરમાં રહેતા ડ્રાવઇર ઝુલ્ફીકાર ખાનનાં 36 વર્ષીય પત્ની આબીદા ખાતુનને રવિવારે વહેલી સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ ઘરે બેભાન થઈ ગયાં હતાં. હૉસ્પિટલના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. ત્રીજા બનાવમાં લસકાણાની રામદેવ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા 40 વર્ષીય સુશાંત બાસુદેવ પૌંડા શનિવારે સવારે અચાનક બેભાન થઈ ગયા હતા.