રાજકોટ શહેરમાં કોરોનાનો કેસ આવ્યો છે અને તે નવા વેરિયન્ટ હોવાની શંકા છે. જેને લઈને દર્દીનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને સંપર્કમાં આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવાયા છે અને હજુ તપાસ ચાલી રહી છે. દેશમાં અલગ અલગ સ્થળોએ નવા વેરિયન્ટના કેસ બાદ અમદાવાદમાં પણ કેસ દેખાયા છે. ફરીથી કોરોનાની મહામારી ગતિ પકડે તેવી દહેશતને લઈને તંત્ર સાબદું થયું છે. જોકે એ સાથે જ લોકોમાં પણ ભયની લાગણી ન ફેલાય તે પણ મહત્ત્વનું છે. આ કારણે રાજકોટ મહાનગરપાલિકાએ એડવાઈઝરી જાહેર કરી હતી.
જેમાં સૂચન કર્યું હતું કે, બહાર નીકળો એટલે માસ્ક ફરજિયાત પહેરવું. આ નિર્દેશને કારણે લોકોમાં એવી વાત ફેલાઈ હતી કે ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે મહાનગરપાલિકાએ ફરીથી સ્પષ્ટતા કરવી પડી કે, માસ્ક પહેરવું ફરજિયાત નથી. પણ, એવું સૂચન છે કે બહાર નીકળો એટલે માસ્ક પહેરો જેથી સંક્રમણથી બચી શકાય.
કોરોનાના નવા વેરિયન્ટ અંગે આરોગ્ય શાખાએ જણાવ્યું હતું કે, નવો JN.1 વેરિયન્ટ એ ઓમિક્રોનનો જ એક પ્રકાર છે જે અસલ વાઇરસ કરતા વધુ સરળતાથી ફેલાય છે અને વધારે ગંભીર બીમારી ઊભી કરે છે. JN.1 માં પણ બીજા વેરિયન્ટની જેમ કોરોનાના સમાન લક્ષણો જોવા મળે છે. નવો વેરિયન્ટ છે પણ તે આરટીપીસીઆર ટેસ્ટમાં ડિટેક્ટ થઈ જાય છે એટલે ટેસ્ટ કિટમાં કોઇ સમસ્યા નથી આ ઉપરાંત કોરોનાની અન્ય સારવાર પણ સમાન છે તેથી તેમાં પણ ચિંતાજનક કોઇ બાબત નથી.