ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી બાદ પ્રથમ વખત સત્ર મળી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો તથા ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો. જ્યારે બપોર બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અંધશ્રદ્ધાવિરોધી બિલ રજૂ કર્યું હતું. આ બિલ સર્વાનૂમતે પસાર કરવામાં આવ્યું હતું. અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને સજા થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પહેલા મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામમાં અંધશ્રદ્ધા નિર્મૂલન સંબંધિત કાયદા અમલમાં છે. આમ આ પ્રકારનો કાયદો બનાવનારું ગુજરાત 7 રાજ્ય બનશે.
આ બિલમાં કરેલી જોગવાઈ મુજબ, કોઈ વ્યક્તિ પોતે અથવા કોઈ બીજી વ્યક્તિ મારફત આ અધિનિયમની જોગવાઈઓનો ભંગ કરીને, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ કરે અથવા કરાવડાવે, માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુની કોઈ જાહેરખબર આપે અથવા અપાવડાવે, વ્યવસાય કરે અથવા કરાવડાવે, પ્રચાર કરે અથવા કરાવડાવે અથવા ઉત્તેજન આપે અથવા અપાવડાવે, તે બાબત આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો ગણાશે. આ ગુનાની દોષિત વ્યક્તિને છ મહિનાથી ઓછી ન હોય એટલી પણ સાત વર્ષ સુધીની કેદની અને પાંચ હજાર રૂપિયાથી ઓછા નહીં પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. તેમજ આ ગુનો બિન જામીનપાત્ર ગણાશે.