રાજકોટ જામનગર રોડ પર જામટાવર ચોક પાસે સી.એલ.એફ કવાર્ટરમાં રહેતા મેજીસ્ટ્રેટના ઘરમાંથી પટ્ટાવાળાએ ચેકબુક ચોરી કરી તેમાંથી રૂ.10.30 લાખના બે ચેક ભરી ખોટી સહી કરી શહેરના ટાગોર રોડ પર વીરાણી ચોકમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આર.કે.નગર બ્રાન્ચમાં રજૂ કરી ચેક વટાવવાની કોશિષ કરતા એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
બે ચેક ભરી ખોટી સહી કરી
રાજકોટ જામનગર રોડ પર જામટાવર ચોક પાસે સી.એલ.એફ. કવાર્ટર નં.ઇ/1 માં રહેતા મેજીસ્ટ્રેટએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્યુન નરેશ તાવીયા સામે ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે મોચી બજાર કોર્ટમાં ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવે છે. ગત તા.23.05.2022 ના રોજ પોતે રાજકોટમાં ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં ચાર્જ સંભાળ્યો હતો. પોતે રેસકોર્ષ રીંગરોડ બહુમાળી ભવન સર્કલ પાસે આવેલ હોમગાર્ડ કેમ્પસમાં આવેલા કવાર્ટરમાં રહે છે.પોતાના ઘરે કામકાજ અર્થે ડીસ્ટ્રીકટ કોર્ટ તરફથી પટ્ટાવાળા તરીકે નરેશ તાવીયા નામના કર્મચારીને ફાળવવામાં આવ્યો હતો. તેઓ અમારા ઘરના નાના-મોટા કામકાજ તેમજ બેંકીગને લગતા કામકાજ કરતો હતો અને પોતે નરેશને દર મહિને પોતાના પી.એલ.આઇનું પ્રીમીયમ ભરવા માટે પોતાની સેવીંગ એકાઉન્ટનો ચેક આપીને પ્રીમીયમ ભરવા માટે મોકલતા હતા.
ખોવાઈ ગયેલા તમામ ચેકો રદ કરી નાખવામાં આવ્યા
આ પછી મેં- મહિનામાં પોતાની એસ.બી.આઇ બેંકમાં સેવીંગ એકાઉન્ટની ચેકબુક પોતાના કવાર્ટરમાં શોધખોળ કરતા મળી આવી ન હતી. જેથી પોતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા હોસ્પિટલ ચોક બ્રાચંમાં જઇને ચેક બુકની સીરીઝવાળા તમામ ચેકો રદ કરી નાખવા માટે જાણ કરતા બેંક દ્વારા ખોવાઈ ગયેલા તમામ ચેકો રદ કરી નાખવામાં આવ્યા હતા. દરમ્યાન ત્રણ દિવસ પહેલા પોતાના મોબાઇલમાં એસ.બી.આઇ બેંક વિરાણી ચોક શાખાના કર્માચારીનો ફોન આવેલ અને તેણે જણાવેલ કે ‘તમારા એકાઉન્ટના બે ચેક અમારી બ્રાંચમાં ચેક ભરેલ છે. જે બંને ચેકો આપના તરફથી ઇશ્યુ કરવામાં આવ્યા છે કે કેમ તેમ વાત કરતા પોતે એકદમ ચોંકી ગયા હતા કારણકે ‘આવા કોઇ ચેક પોતાના દ્વારા કોઇને પણ આપવામાં આવેલ ન હોય જેથી પોતે બેંકમાં જઇ તપાસ કરતા અગાઉ ખોવાય ગયેલા ચેકોના કોઇએ દુર ઉપયોગ કરી તેમાં પોતાની ખોટી અને બનાવટી સહિઓ કરી રૂ.5 લાખની રકમ ભરેલો ચેક શૈલેષ ગોંવિદભાઇ ભુસડીયાના નામનો અને બીજો રૂ.5.30 લાખની રકમ ભરેલો નિલેશ દેવશીભાઇના નામનો હતો.