બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં શરણાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે, બીજી તરફ ગેરકાયદે વસેલા પ્રવાસીઓને હવે દેશનિકાલ માટે અભિયાન શરૂ કર્યું છે. ગેરકાયદે વસતાં માઈગ્રન્ટસ અને શરણાર્થીઓને દેશમાંથી બહાર કાઢવાની કાર્યવાહી નવા વર્ષથી શરૂ થશે. ફ્રાન્સે એવા 30 હજાર લોકોની યાદી તૈયારી કરી છે. આ કવાયતનો હેતુ જુલાઈ-ઓગસ્ટમાં યોજાનારી ઓલિમ્પિક પહેલા દેશમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાનો છે. ફ્રાન્સની સંસદમાં એક બિલ પણ પસાર કર્યું હતું, જે ગેરકાયદે સ્થળાંતર કરતાં લોકો કડક નિયંત્રણો લાગૂ કરશે.
આ બિલને વિરોધ પક્ષ મરીન લે પેનની આગેવાની હેઠળની દક્ષિણપંથી નેશનલ રેલનું સમર્થન પણ પ્રાપ્ત થયું છે. કોઈપણ રીતે આગામી સંસદીય ચૂંટણી માટે ઈમિગ્રેશન મુખ્ય રાજકીય મુદ્દો હશે. ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બ્રિટેન જેવા અન્ય દેશોએ પણ ગેરકાયદે પ્રવાસીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. બ્રિટને રવાન્ડાના લોકોને આશ્રય પ્રક્રિયા આઉટસોર્સ કરવાની અથવા સ્થળાંતર કરનારાઓને જહાજોમાં છોડવાની ધમકી આપી છે. ડેનમાર્ક રવાન્ડામાં શરણાર્થી કેન્દ્ર ખોલવામાં નિષ્ફળ ગયા હોવા છતાં ત્યાંની સરકારે તાજેતરના વર્ષોમાં આશ્રય પ્રક્રિયાને કડક બનાવી છે. ડેનમાર્ક જર્મનીની સરહદે આવેલા તમામ વિસ્તારોમાં વર્ષોથી કડક તપાસ કરે છે. આ જ કારણ છે કે દર મહિને માત્ર 180 લોકો જ ડેનમાર્કમાં આશ્રય માટે અરજી કરે છે.
પેરિસમાં ઓલિમ્પિક સમારોહની સુરક્ષાને લઈ ચિંતા
ફ્રાન્સમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક પગલાં લેવાનું કારણ તાજેતરની ઘટના છે. એફિલ ટાવરની નજીક જ્યાં જર્મન નાગરિકની હત્યા કરાઈ હતી તે સ્થળ પેરિસમાં આવતા વર્ષે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારોહનો એક ભાગ છે. સરકારની સૌથી મોટી ચિંતા તેની સુરક્ષા છે કારણ કે સીન નદી પર ખુલ્લા આકાશ નીચે સમારોહ યોજાશે. સમારોહમાં 6 લાખ લોકો હાજર રહેશે. ફ્રાન્સમાં આ પહેલા પણ અનેક હુમલા થઈ ચૂક્યા છે. સ્થળાંતર કરનારાઓને રોકવા માટે ફ્રાન્સ ખાનગી જહાજો સામે પણ કાર્યવાહી કરશે. આ ખાનગી જહાજો મારફતે લોકો ગેરકાયદે પ્રવેશ મેળવતા હોય છે. જો કે, ભૂમધ્ય દેશો હજુ પણ સ્થળાંતર કરનારાઓને તેમના કિનારા પર આવતા રોકવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.