શાકભાજી અને ફળ ખાવાં હેલ્થ માટે ખૂબ જ સારાં છે, પરંતુ જો તે ધોયા વગર ખાવામાં આવે તો તે બીમાર પણ પાડી શકે છે. મોટા ભાગનાં ભારતીય ઘરોમાં લોકો બજારમાંથી લાવેલાં તાજાં શાકભાજી કે ફળને માત્ર એક વખત ધોઇને ફ્રીઝમાં રાખી દે છે, પછી આખું અઠવાડિયું તેમાંથી ઉપયોગ કર્યા કરે છે. શું તમે જાણો છો કે એક વખત પાણીથી ધોયેલા ખાદ્યપદાર્થોમાંથી બેક્ટેરિયા કે કીટનાશકો દૂર થતા નથી. તે ખાદ્યજનિત રોગોને દૂર કરવા માટે પર્યાપ્ત નથી. જો તમે પણ આમ કરી રહ્યાં હો તો તાત્કાલિક તમારી આદતને બદલો.
એક્સપર્ટ્સની સલાહ
જ્યારે ફળ કે શાકભાજી ઊગી રહ્યાં હોય છે ત્યારે તે અનેક પ્રકારે દૂષિત થાય છે. જાનવરો, માટી કે પાણીમાં હાનિકારક પદાર્થો અને શ્રમિકોના કારણે આ બધું દૂષિત થઇ શકે છે. પાકની લણણી બાદ તે અનેક લોકોના હાથમાં થઇને પસાર થાય છે. આ દરમિયાન પણ ભોજન દૂષિત થાય છે.
હાથ ધુઓ
ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સના દિશા-નિર્દેશો અનુસાર તાજાં શાકભાજી અને ફળોને ધોયા બાદ કમસે કમ ર૦ સેકન્ડ સુધી હાથને ગરમ પાણી અને સાબુથી ધોવા જોઇએ. શાકભાજી અને ફળને ધોવાથી તેમાં લાગેલાં દૂષિત તત્ત્વો હાથમાં ચોંટી રહે છે. તેથી તેને સાફ કરવા માટે હાથને સારી રીતે ધોવાની જરૂર હોય છે.
ઘસો અને રગડો
તાજાં શાકભાજી અને ફળોને સાફ કરવાની સૌથી સારી રીત એ છે કે તેને ધીમે ધીમે નળ નીચે વહેતા પાણીમાં રગડો. તરબૂચ જેવાં મોટાં અને કડક ફળોને સાફ કરવા માટે તમે સોફ્ટ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.
તાજાં શાકભાજીને અનેક વાર ધુઓ
તાજાં દેખાતાં શાકભાજીને હંમેશાં છોલવા કે કાપતાં પહેલાં બેથી ત્રણ વખત પાણીથી ધુઓ. આમ કરવાથી તે ખાદ્યપદાર્થ બેક્ટેરિયા, કીટનાશકો અને ગંદકીથી મુક્ત રહે છે. એ પણ ધ્યાન રાખો કે તે બેક્ટેરિયા ચપ્પા સુધી ન પહોંચે. ફળ કે શાકભાજીના કાપેલા કે સડેલા ભાગને પહેલાં જ દૂર કરી દો.