ચાઇનિઝ ભેજાબાજોએ ભારતીયોને જ ભારતને ઠગવા તૈયાર કર્યા છે. ઓડિશાના દિનબંધું સાહુને કંબોડિયામાં ગોંધી રાખી તેને ઠગાઈમાં જોડાયો હતો. ભારત પરત આવી તે પોલીસ પાસે ગયો, તેને પોલીસ સમક્ષ કંબોડિયા સાથેના મિત્રને ફોન કરતા સામેથી કહેવાયું કે, ‘હવે કંપનીમાં 65 ભારતીય થઈ ગયા છે. ભારતને જ ઠગવાનું છે. કોઈએ અહીં આવું હોય તો રિસ્યુમ મોકલજો’. કરેળના બે યુવક એચઆર બની ગયા છે, જ્યારે મહારાષ્ટ્રનો એક યુવક ટ્રેનર બની ગયો હતો.
મને ક્રિષ્ણા પાઠકે યુઈએસ જોબ્સ ગ્રુપમાં જોડ્યો હતો. વિયેતનામમાં નોકરીની તક મળતા મેં ક્રિષ્ણા પાઠકનો સંપર્ક કર્યો હતો. તેઓએ મને રૂ.1.50 લાખ સર્વિસ ચાર્જ આપવા કહ્યું હતું. સેલેરી 1000 યુએસડી કહેવાયું હતું. હું વડોદરા મનિષ હિંગુની ઓફિસે આવ્યો હતો. ત્યાં ક્રિષ્ણા સહિત અન્ય પણ એક યુવક હતો. ઓફિસ જોયા બાદ મેં રૂપિયા આપ્યા હતા. મારી ફ્લાઇટ મુંબઈથી હતી. મને કહેવાયું હતું કે, કોલકાતાથી અન્ય 16 લોકો તમારી સાથે આવશે. હું કોલકાતા પહોંચ્યો 9 કલાક સુધી એરપોર્ટ પર ફરતો રહ્યો, પરંતુ મને ત્યાં કોઈ ન મળ્યું. જોકે ફ્લાઇટનો સમય થઈ જતા હું વિયેતનામ પહોંચી ગયો. આખી રાત એરપોર્ટ પર બેસી રહ્યા બાદ મને ઈનોવા કાર લેવા આવી. કારમાં 6 કલાક સુધી સફર કર્યા બાદ કંબોડિયા બોર્ડરના બોર્ડ દેખાઈ. જોકે ત્યારે મેં મનિષ અને ક્રિષ્ણા સાથે વાત કરી કે, મને ક્યાં લઈ જવાય છે. તેઓ કહેવા લાગ્યા કે, વિયેતનામની નોકરી હવે નથી, તમારે નોકરી જ કરવી છેને, હું રૂપિયા ખર્ચીને ગયો હતો, જેથી કશું બોલ્યો નહીં. બોર્ડર પર કાર ઉભી રહી, ત્યાં બાઇક પર બે જણા આવ્યા અને મારો સામાન કાઢી મને બાઇક પર વચ્ચે બેસાડી દીધો. બોર્ડર પર અડધો કલાક થયો અને તે બાઇકસવારોએ કંબોડિયામાં પ્રવેશ કરાવી દીધો. ત્યાં અન્ય કાર હતી. કાર મને કંબોડિયાની રાજધાની ફ્નોમ પેન્હ લઈ ગઈ. ત્યાં એક બંગ્લો હતો, જ્યાં વિક્કી નામનો એજન્ટ હતો અને અન્ય 15 જેટલા લોકો હતો. મોટાભાગના લોકો રાજસ્થાની હતા. ત્યાંથી મને કારમાં અન્ય બંગ્લો પર લઈ જવાયો હતો. ત્યાં બે ચાઇનિઝ છોકરી, વૃદ્ધ અને બાંગ્લાદેશી યુવક હતો. ત્યાં મારો ઈન્ટરવ્યુ થયો. હું સિલેક્ટ થઈ ગયા બાદ ત્યાં મને એક પંજાબનો, એક ચેન્નાઈનો અને બે તેલંગાણાના યુવક મળ્યા. અમને પાંચને એક કારમાં પેક કરી થાઈલેન્ડ બોર્ડર પાસે આવેલી પોઇપેટ સિટીની એક કંપનીમાં લઈ જવાયા હતા. ત્યાં ફરી અમારૂં ઈન્ટરવ્યું થયો, અમે પાંચેયમાંથી ફક્ત હું સિલેક્ટ થયો. જોકે હું એકલો ત્યાં હતો એટલે પહેલાં મે કામ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.