અમેરિકામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ‘સ્વેટિંગ’ના કિસ્સા સતત વધી રહ્યા છે. ખાસ કરીને સેલિબ્રિટી તેનો શિકાર થતાં હોય છે. પરંતુ તાજેતરમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષના રાજનેતાઓ સ્વેટિંગનો સામનો કરી રહ્યા છે. ‘સ્વેટિંગ’ એ એક પ્રકારની હેરાનગતિ છે. જેમાં કોઈને હેરાન કરવા માટે તેના વિરુદ્ધ પોલીસ હેલ્પલાઈન પર ખોટી માહિતી આપવામાં આવે છે એટલું જ નહીં કોઈના ઘરે દરોડા પાડવા જેવા કરતૂતોને પણ અંજામ આપવામાં આવે છે. ખાસ કરીને ફાયરિંગ, ઘરમાં ચોરી કે અપહરણ જેવા ગંભીર ગુનાઓની ખોટી માહિતી આપી લોકોને હેરાન કરવા માટે સ્વેટિંગનો શિકારા બનાવે છે.
એફબીઆઈના જણાવ્યા અનુસાર ફેક કોલ દ્વારા સ્વેટિંગનો શિકાર બનાવાય છે. આવા ફેક કોલ સ્વેટિંગનો શિકાર બનનાર અને પરિજનો તેમજ પોલીસ માટે પણ ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે. આવી માહિતી મળતાં પોલીસને કેટલાંક જોખમનો સામનો કરવાનો ભય રહે છે. અમેરિકાના કેન્સાસ અને મેરિલેન્ડમાં સ્વેટિંગની બે અલગ-અલગ ઘટનાઓમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઉપરાંત, આ પ્રકરાના ફેક કોલ વાસ્તવિક ગુનાઓ અટકાવવાથી પોલીસનું ધ્યાન ભટકાવે છે. અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં સ્વેટિંગની સજાને વધારીને એક વર્ષની જેલ કરવામાં આવી છે.