16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં આઠમો ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે. 2021માં યુએઈમાં યોજાયેલ ટી-20 વર્લ્ડ કપ બાદ માત્ર 11 મહિનામાં ટીમોએ નવા પ્રયોગ કરી ઘણા ફેરફાર કર્યા છે. આ ઉપરાંત ખેલાડીઓની નિવૃત્તિ અને ઈજાને કારણે પણ ટીમોએ ફેરફાર કરવા પડ્યા છે. ઓસ્ટ્રેલિયાની ઝડપી અને બાઉન્સી પિચને કારણે ટીમોએ એ પ્રકારે ફેરફાર કરતા નવા ખેલાડી સામેલ કરાયા છે. સૌથીવધુ ફેરફાર વિન્ડીઝે કર્યા છે, તેની ગત ટીમમાં રહેલ 12 ખેલાડી આ વખતે નથી રમી રહ્યાં.
ભારતે 6 નવા ખેલાડીઓને સ્થાન આપ્યું છે. સૌથી ઓછા ફેરફાર યજમાન ઓસ્ટ્રેલિયાએ કર્યા છે. તેણે માત્ર 1 નવા ખેલાડી તરીકે ટીમ ડેવિડને સ્થાન આપ્યું છે. ટીમમાં કેમરુન ગ્રીનના સામેલ થવાની ચર્ચા છે, જેની પર અંતિમ નિર્ણય 15 ઓક્ટોબરે લેવાશે.
ગત વર્લ્ડ કપમાં પ્રથમ રાઉન્ડમાં બહાર થનારી વિન્ડીઝ ટીમમાંથી 12 ખેલાડી બહાર થયા છે. પૂરન, એવિન લુઈસ, અકીલ હુસૈન અને હોલ્ડર જ સ્થાન બચાવી શક્યા. પોલાર્ડ, બ્રાવો અને સિમન્સે નિવૃત્તિ લીધી, જ્યારે રસેલ અને નારાયણને સિલેક્ટર્સે નજરઅંદાજ કર્યા. હેટમાયર ફ્લાઈટ ચૂકતા બહાર થયો. 2012 ટી-20 વર્લ્ડ કપ રમનાર જૉનસન ચાર્લસ પરત આવ્યો છે. જ્યારે સિલેક્શન અગાઉ એકેય ટી-20 ના રમનાર યાનિક કારિહાને ટીમમાં રખાયો. પોવેલ, કોટ્રેલ, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, મેયર્સ, રેમન રીફર, ઓડિયન સ્મિથ ટીમમાં છે. અનુભવી ગેઈલ, આન્દ્રે ફ્લેચર, ફેબિયન એલન, ઓશેન થોમસ, હેડન વોલ્સને બહાર કરાયા છે. ટીમ પૂરનની કેપ્ટન્સીમાં રમશે.
ગત વર્લ્ડ કપથી લગભગ અડધી ટીમ બદલાઈ છે. ઈજાગ્રસ્ત બુમરાહ અને જાડેજા ટીમમાં નથી. ગત વર્લ્ડ કપમાં ટીમમાં રહેલ શમી હાલ રિઝર્વમાં છે. રાહુલ ચાહર, ઈશાન, ચક્રવર્તીને ટીમની બહાર કરાયા છે. અર્શદીપ, ચહલ, દીપક હુડ્ડા, અક્ષર અને હર્ષલ ટીમમાં છે. 2010 ટી-20 વર્લ્ડ કપ રમનાર કાર્તિકને પણ તક મળી છે. ટીમની કમાન કોહલીના સ્થાને રોહિત શર્મા પાસે રહેશે.