150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોક પાસેથી જલજીત સોસાયટીમાં રહેતા શખ્સને રૂ.82,600ની કિંમતનું 8.26 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એસઓજીએ ઝડપી લઇ તપાસ કરતા નાનામવા રોડ પર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો હિસ્ટ્રીશીટર મિલન ખખ્ખર ઉર્ફે એમ.કે.નો સાગરીત હતો. પરંતુ છેલ્લા એકાદ માસથી એમ.કે.ને પાસામાં ધકેલાયા બાદ તે મુંબઇથી લઇ આવી છૂટક પડીકીઓ બનાવી વેપલો કરતો હોવાનું રટણ કરતા પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે કોર્ટહવાલે કરવાની કાર્યવાહી કરી છે.
ઉમિયા ચોક પાસે એક શખ્સ માદક પદાર્થની હેરફેરી કરતો હોવાની માહિતીને આધારે એસઓજીના પીઆઇ એસએમ જાડેજા સહિતે શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પૂછતાછ કરતા તે જલજીત સોસાયટીમાં રહેતો ભાવેશ રાજુ મશરૂ હોવાનું જણાવતા પોલીસે તેની તલાસી લેતા તેની પાસેથી રૂ.82600ની કિંમતનું 8.26 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું. માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પૂછતાછમાં જીવરાજપાર્ક પાસે રહેતો નામચીન મિલન ખખ્ખરનો સાગરીત હોવાનું અને હાલ તે પાસામાં હોય મુંબઇમાં બોરીવલી વિસ્તારમાંથી ડ્રગ્સ લાવી છૂટક પડીકીઓ બનાવી વેચતો હતો અને અગાઉ બે વખત ટ્રીપ મારી હોવાનું અને આ ત્રીજી ટ્રીપ મારીને ઘેર આવતો હતો ને પોલીસે પકડી લીધાનું રટણ કર્યું હતું.