દુબઇથી યમન જવા નીકળેલા માંડવીના સલાયાના જહાજમાં મચ્છીરા ટાપુ નજીક મધ દરિયે આગ ભભૂકી હતી. જોતજોતામાં આખું જહાજ સળગી ગયું હતું પણ તેમાં સવાર તમામ 15 ક્રૂ મેમ્બર સમુદ્રમાં કૂદી પડ્યા હતા જેમની વહારે આવેલા એક કાર્ગો ભરેલા શીપે તેમને બચાવી લેતાં આ દુર્ઘટનામાં જાન હાનિ ટળી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ બે વર્ષ પહેલાં માંડવી આવેલા સાલેમામદ આદમ સમેજા અને તેના ભાઇ ઇબ્રાહિમ આમદ સમેજાની માલિકીનું અને 4 કરોડના ખર્ચે નિર્મિત એમએનડી 2172 નંબર વાળું અલ આલમ જહાજ તા. 12/8ના દુબઇથી એક હજાર ટન કાર્ગો ભરીને યમન જવા નીકળ્યું હતું.
ભારતીય સમય મુજબ સવારે 11 વાગ્યાના અરસામાં મચ્છીરા ટાપુ નજીક હતું ત્યારે તેમાં ભીષણ આગ ફાટી હતી. જહાજના કેપ્ટન નૌસાદ જુસબની સાથે તમામ ખલાસીઓએ સમય સૂચકતા દર્શાવીને સાગરમાં કૂદી પડ્યા હતા.