સનાતન ધર્મ રક્ષક સમિતિએ રાજકોટના વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મીની અયોધ્યા ઉભું કર્યું છે. આ મીની અયોધ્યામાં ભગવાન રામ તેમજ હનુમાનજીનાં 28 ફૂટના કટઆઉટ મૂકવામાં આવ્યા છે. તેમજ 150 ફૂટનાં સ્ટેજ પર રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. રાત્રે 12 વાગ્યે લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો ડાયરો પૂર્ણ થયા બાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી.
આજે ભગવાન શ્રી રામ અયોધ્યામાં 500 વર્ષ પછી પોતાના મંદિરમાં બિરાજમાન થશે. આ ઉત્સવનો દેશભરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘરે-ઘરે દિવાળી અને રામનવમી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં રાજકોટમાં આવેલ શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, ઇસ્કોન મંદિર ખાતે પણ ભક્તો રામભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે. ઇસ્કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ જણાવ્યું હતું કે, કાલાવડ રોડ ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં સાંજે 5થી 9 એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંજે 5 વાગ્યે મંદિરમાં બિરાજમાન ભગવાન રામ, સીતા માતા, લક્ષ્મણજી અને હનુમાનજી મહારાજની મૂર્તિઓને મંદિર પરિસરમાં સુશોભિત પાલખીમાં બેસાડીને પાલખીયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ રામકથાનું તેમજ રામ કીર્તન અને નૃત્યનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પધારેલા સૌ કોઈ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે.
રંગીલા રાજકોટમાં હાલ કેસરીયો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. જુદી-જુદી જગ્યાએ ભગવાન રામચંદ્રજી મહારાજના કટ આઉટ્સ જોવા મળી રહ્યા છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ગગનચુંબી ઈમારત ખાતે 250 ફૂટ લાંબુ ભગવાન રામચંદ્રજી મહારાજનું કટ આઉટ્સ લાગેલું જોવા મળી રહ્યું છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યું છે.