રાજકોટ અને લોધીકા વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને મળેલ માહિતીના આધારે ડમી ગ્રાહક મોકલી આરોપી પાસેથી 'રેડ-સેન્ડ બૌઆ' નામના બીનજેરી સર્પ મેળવી સ્થળ પર તેની ધરપકડ કરી જેલ હવાલે કરાવામાં આવ્યો હતો. જેમાં અધિક સેશન્સ જજ જે.આઈ. પટેલ સાહેબે ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા આરોપીની જામીન અરજી રદ કરી છે.
બલી ચડાવવા બીનજેરી સર્પનો ઉપયોગ
કેસની હકીકત એવા પ્રકારની છે કે, રાજકોટ અને લોધીકા વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા ફરિયાદીને માહિતી મળી હતી કે, હિતેશ પ્રભુદાસ મકવાણા ઉજજળ વિસ્તારોમાંથી 'રેડ-સેન્ડ બૌઆ' નામના બીનજેરી સર્પને પકડી તેને બલી ચડાવવા માટે પાંચથી દશ લાખ રૂપિયાના વેચાણથી આપે છે. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટની જોગવાઈ મુજબ શેડ્યુલ એકમાં સમાવિષ્ટ કરે વિલુપ્ત થતી જાતીના જીવો માટે ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં આ શેડલ્યુલ એકમાં સમાવિષ્ટ કોઈ પણ જીવને પકડવામાં આવે અથવા તેને બિનઅધિકૃત રીતે આહાર આપવામાં આવે કે પરવાનગી વીના આવા જીવોના પ્રદર્શનો કરવામાં આવે તો તેને 'શીકાર'ની પરિભાષામાં ગણવામાં આવે છે. જેની સજાની જોગવાઈ લઘુત્તમ ત્રણ વર્ષ સુધીની અને મહત્તમ સાત વર્ષ સુધીની છે.
ડમી ગ્રાહક મારફત આરોપીનો સંપર્ક કર્યો
રેન્જ ફોરેસ્ટ ઓફિસરને મળેલ બાતમીના આધારે ડમી ગ્રાહક મારફત આ આરોપીનો સંપર્ક કરી 'રેડ-સેન્ડ બૌઆ' નામના બીનજેરી સર્પને પકડવાનો સોદો કરેલ છે. આ મુજબ આરોપીએ અગાઉથી પકડી રાખેલ આવા સર્પનું વેચાણ કરવા સહમત થયો હતો અને જીવીત સર્પ પોતાના કબજામાંથી રજૂ કર્યો હતો. આ ચોક્કસ જ્ઞાતિનો સર્પ ફક્ત ઉદરોનો જ આહાર કરે છે. આરોપીને આ અંગેની જાણ ન હોવાથી તેણે આ સર્પને ચારથી માસ સુધી મરઘીનું માંસ ખવડાવી અને કાચની નાની બંધ બરણીમાં ગોંધી રાખ્યો હતો.