રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલમાં સ્વામિનારાયણ (વડતાલ) સંપ્રદાયના સંતોએ સત્સંગ હોલનું બાંધકામ શરૂ કરી દેવાના વિવાદ હવે નિર્ણય તરફ આવી રહ્યો છે. તપાસ કમિટીના અહેવાલ બાદ કલેક્ટરે શુક્રવારે બંને પક્ષોને સાંભળવા માટે રૂબરૂ બોલાવ્યા છે. બંનેને સાંભળી લીધા બાદ તે જ દિવસે અથવા તો બે દિવસ સુધી નિર્ણય બાકી રાખીને સોમવારે જાહેર કરાય તેવી શક્યતા છે.
ગેરકાયદે બાંધકામ મુદ્દો ઉછળતા કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો અને કોર્ટે જિલ્લા કલેક્ટરને તપાસ કરવા હુકમ કર્યો હતો. જિલ્લા કલેક્ટરે આ મામલે તપાસ કમિટી રચી હતી અને કમિટીએ તપાસ શરૂ કરતાં જ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી બાંધકામ અટકાવવા સૂચના આપી હતી. સમિતિએ રિપોર્ટ કલેક્ટરને સોંપી દીધો છે અને સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ હવે કલેક્ટર પક્ષકારોને સાંભળીને નિર્ણય કરશે. બીજી તરફ બાંધકામ મંજૂરી માટે બાલાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પોતાના નામથી ટી.પી. શાખામાં પ્લાન મુક્યો છે.
ટી.પી. શાખાએ આ જગ્યા સરકારી હોવાથી તેમજ સંચાલન સોંપવાનો હુકમ જિલ્લા કલેક્ટરે કર્યો હોવાથી માલિકી હક્કને લઈને પ્લાન નામંજૂર કરવો કે કેમ તે અંગે અભિપ્રાય માગ્યો હતો. આ અભિપ્રાયનો હજુ જવાબ આવ્યો નથી જેથી પ્લાન મંજૂરીનો જે સમય ગાળો હોય તેના કરતા બમણો સમય વીતી ગયો છે. કલેક્ટરનો નિર્ણય આવતાં જ ટીપી શાખા પણ તે અનુસંધાને પ્લાન અંગે કાર્યવાહી કરશે.