ભારત સહિત સમગ્ર વિશ્વમાં અમીરોની સંખ્યા વધી રહી છે. હવે આ અતિ ધનાઢ્ય અબજોપતિ પોતાના પર અને લક્ઝરી લાઇફસ્ટાઇલ પર પૈસા ખર્ચ કરવાથી પાછળ હટતા નથી. આ જ કારણ છે કે ભારતમાં પણ લક્ઝરી ટ્રાવેલમાં વધારો થઇ રહ્યો છે.
બ્રેકિંગ બાઉન્ડ્રીઝ અને માસ્ટરકાર્ડ ઇકોનૉમિક્સ ઇન્સ્ટિટ્યૂટ (એમઇઆઇ) દ્વારા સંકલિત એક રિપોર્ટ અનુસાર ઇતિહાસમાં કોઇપણ સમયની તુલનામાં સૌથી વધુ ભારતીય આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી રહ્યા છે. મજબૂત અમેરિકન ડૉલર છતાં, 2019ની તુલનામાં જાપાનમાં ભારતીય મુસાફરોના આગમનમાં 53%, વિયતનામમાં 248% અને અમેરિકામાં 59%ની વૃદ્ધિ જોવા મળી છે.
રિપોર્ટ અનુસાર, એમ્સ્ટર્ડમ, ત્યારબાદ સિંગાપુર, લંડન, ફ્રેન્કફર્ટ અને મેલબર્ન ટોચના પાંચ ટ્રેંડિંગ સ્થળો છે જ્યાં ભારતીય મુસાફરો આ ગરમી (જૂન-ઓગસ્ટ)માં જઇ રહ્યા છે. તે ઉપરાંત ભારતના લક્ઝરી ટ્રાવેલર્સ હવે વિદેશની યાત્રામાં મન ભરીને પૈસા પણ ખર્ચ કરી રહ્યા છે. એક ટ્રાવેલ એજન્સી અનુસાર ભારતના ધનાઢ્ય લોકો અને અતિ ધનાઢ્યોએ છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન સ્પોર્ટ્સ અને લેઝર ટૂરિઝમ પર ખર્ચ વધાર્યો છે, ત્યાં સુધી કે ભારતીય અમીરોએ લક્ઝરી ટ્રાવેલના મામલે એશિયાના અનેક દેશોને પાછળ છોડી દીધા છે.