શહેરમાં સોમવારે મોરબી રોડ પર આવેલા હડાળા ગામ પાસેની સોસાયટીમાં ઢોર દ્વારા છોડને નુકસાન કરવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે ચાલતી માથાકૂટમાં વચ્ચે પડેલા યુવાનનું ઢીમ ઢળી ગયું છે. જ્યારે પ્રૌઢ પર રિક્ષા ચડાવી હત્યાનો પ્રયાસ થયો હતો. સશસ્ત્ર મારામારીમાં બંને પક્ષે 8 વ્યક્તિને ઇજા થઇ છે. પોલીસે 4 આરોપીને સકંજામાં લીધા હતા.
હડાળા ગામે વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા અને સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાં નોકરી કરતા લાખાભાઇ જીવરાજભાઇ પાટડિયા નામના પ્રૌઢે પાડોશમાં રહેતા પ્રવીણ નિરંજની, તેની પત્ની મંજુ, બે પુત્ર ચંદ્રેશ અને ચિરાગ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે બપોરે પાડોશમાં રહેતા પ્રવીણ નિરંજનીની ગાયે ઘર પાસે ઉગાડેલા છોડને નુકસાન કર્યું હોવાથી પ્રવીણ અને તેના પુત્ર ચંદ્રેશને તમારી ગાયો બાંધીને રાખવા અંગેની વાત કરી હતી. જેથી પિતા-પુત્ર ઉશ્કેરાય જઇ અમારી ગાય છૂટી જ રખડશે, તારાથી થાય તે કરી લેજે કહી ઝઘડો કરતા પોતે ઘરમાં જતા રહ્યાં હતા. જેથી પુત્ર અનિલ અને વિમલ પ્રવીણના ઘરે તેમને સમજાવવા જતા પ્રવીણે તેના પુત્રોએ સાથે મળી બંને પુત્રને માર મારવાનું ચાલુ કર્યું હતું. જેથી પોતે પત્ની કાંતા, પુત્રવધૂ સાથે ત્યાં દોડી જતા પ્રવીણ ઘરમાંથી લાકડાંનો ધોકો લઇ આવી પુત્ર અનિલને માથામાં ઘા ઝીંકી દીધો હતો.
પ્રવીણના પુત્ર ચંદ્રેશે પુત્ર વિમલને પાઈપનો ઘા ઝીંક્યા હતો. અગાઉ શેરીમાં રહેતા વિનુભાઇ પોપટભાઇ ચાવડા, તેની પત્ની તેના બંધ મકાનની સાફસફાઇ કરવા આવ્યા હોય દેકારો થતા વિનુભાઇ અમને છોડાવવા વચ્ચે પડતા તેના પર ધોકા, પાઇપથી હુમલો કર્યો હતો. જેથી વિનુભાઇ ત્યાં જ જમીન પર ફસડાઇ પડ્યા હતા. ત્યાર બાદ પ્રવીણના અન્ય પુત્ર ચિરાગે રિક્ષા પોતાના પર ચડાવી કચડવાનો પ્રયાસ કર્યો હતો. હુમલામાં ઘવાયેલા વિનુભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.