રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આદેશના પગલે તાલુકા વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે અને તેના ભાગરૂપે રાજકોટ તાલુકાના રામપરા(બેટી) ગામે સરવે નં.110ની સરકારી ખરાબાની જમીન પર ઓપરેશન હાથ ધરી હોટેલ અને ગેરેજના દબાણો દૂર કર્યા હતા અને રૂ.2 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સૂત્રોએ જણાવ્યા અનુસાર રામપરા (બેટી) ખાતે સરવે નં.110 પૈકીની અંદાજિત રૂ.2 કરોડની કિંમતની 2000 ચો.મી. સરકારી જમીનમાં છેલ્લા પાંચથી છ વર્ષથી બુટભવાની હોટેલ અને ગેરેજનું દબાણ હોવાની હકીકત ધ્યાનમાં આવી હતી. મોકાની કિંમતી જમીનમાં ગેરેજવાળા દ્વારા ટ્રેક્ટર અને ડમ્પર રિપેરિંગનું કામ કરાતું હોય અને હોટેલ ચાલુ હોય બન્ને દબાણકારોને નોટિસ આપ્યા બાદ એક મહિના પહેલાં દબાણ સાબિત થતા કલમ-202 મુજબની સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અલ્ટિમેટમ આપતી નોટિસ અપાઇ હતી. છતાં દબાણ દૂર ન થતા ડિમોલિશનની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.