કેન્દ્ર સરકાર પરવાનગી વગર લોન આપતી એપ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. સરકારે આ યોજના અંગે એક ડ્રાફ્ટ બિલ રજૂ કર્યું છે. આ બિલમાં ઉલ્લંઘન કરતી ઓનલાઈન લોન એપ્સ પર પ્રતિબંધ લગાવવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 1 કરોડ રૂપિયાનો દંડ અને 10 વર્ષની જેલની સજાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના ડિજિટલ ધિરાણ પર કામ કરતા જૂથના નવેમ્બર 2021ના અહેવાલમાં આ પગલાં પ્રથમ વખત સૂચવવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારના આ ડ્રાફ્ટ બિલનું શીર્ષક છે–બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ લેન્ડિંગ એક્ટિવિટીઝ (BULA) છે. આ બિલનો હેતુ વ્યક્તિઓ અને કંપનીઓને આરબીઆઈ અથવા અન્ય કોઈ નિયમનકારી સંસ્થાઓની પરવાનગી લીધા વિના લોકોને લોન આપવા પર પ્રતિબંધ મૂકવાનો છે.