અમેરિકામાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક વર્ષ માટે કોલેજમાં સીધો પ્રવેશ મળી રહ્યો છે. ઔપચારિક રીતે કોલેજમાં એડમિશન માટે અરજી કરવામાં આવતી નથી. એડમિશનની પ્રક્રિયા વગર કોલેજમાં પ્રવેશ આપવાનું કારણ પણ અજીબોગરીબ છે. મોટા ભાગની કોલેજોમાં ડાયરેક્ટ એડમિશન કાર્યક્રમ ચાલી રહ્યા છે.
આ કાર્યક્રમ લાયક વિદ્યાર્થીઓમાં કોલેજની અરજી નકારવાની ચિંતા અને ભયને દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે. પ્રોગ્રામમાં શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપવામાં આવે છે. એકવાર પ્રવેશ મળ્યા બાદ વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે ઑનલાઇન અરજી પૂર્ણ કરી શકે છે. સરકારી તેમજ ખાનગી કોલેજોના પ્રોફેસરો, નિષ્ણાતોના વડપણ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
પ્રોગ્રામના સંચાલકોનું માનવું છે કે અરજી કર્યા વિના વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. અન્ય એક કારણ કોલેજોમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા છે. મોટા ભાગની કોલેજો અરજી કરનારા મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે.
પ્રોગ્રામ સંબંધિત સેવા નિકેના સીઇઓ લ્યુક શુર્મનનું કહેવું છે કે ઘણા વિદ્યાર્થીઓ અરજી એટલા માટે નથી કરતા કે પ્રવેશ મેળવવાની પરંપરાગત રીત લાંબી અને બોજારૂપ માને છે. જો કોલેજો લાયક વિદ્યાર્થીઓની ઓળખ કરે અને તેમને સીધો પ્રવેશ મેળવવામાં મદદ કરે, તો ઘણા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ ચાલુ રાખવામાં રસ દાખવી શકે છે.