Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુરતમાં અમદાવાદમાં તથ્ય પટેલે કરેલ અકસ્માતની યાદ તાજી થઈ છે. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈકચાલક અને બે રાહદારીને ઉડાવ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લોકોએ કારચાલકને પકડી મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે જ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોએ ‘આ તથ્યનો ભાઈ જ છે’ કહી કડક સજાની માગ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે, ઉત્રાણના રાજપૂત ફળિયામાં રહેતો 27 વર્ષીય સાજન પટેલ બર્થડે પાર્ટીમાં દારૂ પીને સ્વિફ્ટ કાર નંબર GJ-05- RR-9995 લઈને રચના સર્કલ જવા નીકળ્યો હતો. જવાહનરનગર ચાર રસ્તા પરથી બેફામ જતા આ યુવકે કાર ધીમી કરવાને બદલે સ્પીડમાં હંકારી હતી. સાજન પટેલ ઉત્રાણમાં રહે છે અને ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે. સાજન સ્વસ્થ થતાં પોલીસે તેની ધરપકડ કરી છે.

કાર ઉભી રાખવાને બદલે ભગાવવાનો પ્રયાસ કર્યો
કાપોદ્રા વિસ્તારમાં આવેલી સ્નેહ મુદ્રા સોસાયટી પાસે રાત્રે સ્વિફ્ટ કારના ચાલક સાજન પટેલે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક અને બે રાહદારી સહિત 6 જેટલા લોકોને અડફેટે લઈ ઉડાવ્યા હતા. પૂરપાટ ઝડપી આવી રહેલી સ્વિફ્ટ કારે એક બાદ એક એમ ત્રણ બાઈકો અડફેટે લીધા હતા. બીઆરટીએસ રૂટ પૂરો થઈ રહ્યો હતો, ત્યાં ચાર રસ્તા પર બાઇકસવાર લોકો રોડ ક્રોસ કરી બીઆરટીએસ રૂટમાં જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત થવા છતાં કાર ઉભી રાખવાને બદલે સાજન પટેલે ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ કારચાલક સાજન પટેલને પકડ્યો ત્યારે દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું.