અંકલેશ્વર જીઆઇડીસીમાં એક જ સપ્તાહમાં બે કંપનીઓમાંથી 1,000 કિલોથી વધારે ડ્રગ્સ મળવાની ઘટનાએ સૌને ચોંકાવી દીધાં છે. મેટ્રો સિટીના બદલે હવે ડ્રગ્સની માગ નાના શહેરોમાં પણ વધી હોવાથી માફિયાઓને પણ હવે ટનબંધ ડ્રગ્સની જરૂરિયાત પડી રહી છે જેના લીધે તેમણે હવે કાર્યપદ્ધતિ બદલી નાખી છે. પહેલાં અંકલેશ્વર કે પાનોલીમાં બંધ પડેલા શેડ ભાડે રાખી તેમાં નાના પ્રમાણમાં ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું પણ હવે માફિયાઓએ ડ્રગ્સ નેટવર્કને દવાઓ બનાવતી કંપનીઓ જેવું કરી નાંખ્યું છે. જેમ અથાણાં, પાપડ સહિતની વસ્તુઓ જોબવર્કથી બનાવડાવવામાં આવે છે તેવી રીતે માફિયાઓ નાના શહેરોમાં નાની કંપનીઓમાં ટનબંધ રીતે ડ્રગ્સ બનાવડાવી રહયાં છે. ફાર્મા ડ્રગ્સના નામે તેઓ પોલીસની આંખોમાં ધૂળ નાખવામાં પણ સફળ રહયાં છે.
ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ઓગષ્ટ 2021માં પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી 1,400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ચાલુ વર્ષે ઓગષ્ટ મહિનામાં દહેજની એલયાન્સ ફાર્મા કંપનીમાંથી 30 કરોડ ઉપરાંતનું ડ્રગ્સ ઝડપાયું હતું. અંકલેશ્વરની આવકાર કંપનીમાંથી ઝડપાયેલાં કોકેઇન અને મેથામાઇનના સોલ્ટ ફોર્મના જથ્થાની કિમંત 5,000 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. દુબઇ તથા બ્રિટનમાં રહેતાં માફિયાઓએ પૂણેમાં ફાર્મા સોલ્યુશન નામની બોગસ કંપની ઊભી કરી અંકલેશ્વરની આવકાર ડ્રગ્સને 40 ટન મટિરિયલ્સ ( ડ્રગ્સ) પ્રોસેસ કરી આપવાનો કરાર કર્યો હતો.