રાજકોટમાં રવિવારે બપોરે કેસરી પુલ નીચે ગાય સાથે અધમ કૃત્ય કરી રહેલા નરાધમને માલધારીઓએ ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો. ગાય સાથે આવું દુષ્કૃત્ય આચરનાર સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો તો આવું કૃત્ય કરનારના પક્ષે કોઇ વકીલે કેસ લડવો નહીં તેવો રાજકોટ બાર એસોસિએશનને ઠરાવ પસાર કર્યો હતો.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ લલિતસિંહ શાહીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મમાં ગાયનું ધાર્મિક મહત્ત્વ છે અને લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. રાજકોટમાં નરસંગપરામાં રહેતો લાલો રમણીક વાળા (ઉ.વ.24) નામનો શખ્સ ગાય સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતા ઝડપાઇ ગયો હતો અને તેની સામે પોલીસે સૃષ્ટિવિરુદ્ધના કૃત્યની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી, આવું દુષ્કૃત્ય ભવિષ્યમાં કોઇ કરે નહીં તે માટે રાજકોટ બાર એસોસિએશને એક પરિપત્રમાં ઠરાવ પસાર કર્યો છે જેમાં આરોપી લાલા વાળા તરફે કોઇ વકીલ નૈતિક રીતે કેસ લડે નહીં તેવો ઠરાવ કરવામાં આવ્યો છે.
બીજીબાજુ બી. ડિવિઝનના પીઆઇ કરપડાએ જણાવ્યું હતું કે, આરોપી લાલા વાળાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને સોમવારે તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો, તેમજ આરોપી વિરુદ્ધ સાંયોગિક પુરાવા મેળવવા એફએસએલ અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા તેમજ વેટરનરી ડોક્ટરની પણ મદદ લેવામાં આવી હતી.