અમેરિકામાં મોટા ભાગના પુખ્તવયના લોકો પાસે વ્યક્તિગત નાણાકીય નિર્ણયો લેવા માટે નાણાકીય જ્ઞાનનો અભાવ છે. છેલ્લાં અઢી વર્ષમાં 25 રાજ્યોએ કિશોરોમાં નાણાકીય સાક્ષરતા સુધારવા માટે હાઈસ્કૂલના અભ્યાસક્રમમાં પર્સનલ ફાઇનાન્સ કોર્સનો સમાવેશ કર્યો છે.
2021માં આ રાજ્યોની સંખ્યા માત્ર આઠ હતી. તાજેતરમાં એન્યુઇટી અને બેન્કરેટે વાર્ષિક કટોકટી બચત અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે અમેરિકન પુખ્તવયના એક તૃતીયાંશ લોકોએ અહેવાલ આપ્યો છે કે તેમના ક્રેડિટકાર્ડનું દેવું તેમના ઈમરજન્સી સેવિંગ કરતાં વધુ છે. 68% લોકોને શંકા છે કે જો તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ખોરવાઈ જશે તો તેમને એક મહિના માટે પણ જીવનખર્ચ પરવડી શકશે નહીં. 25% પાસે નાણાકીય બાબતો પર સલાહ માટે કોઈ વિશ્વસનીય સ્ત્રોત નથી.
આ આંકડાઓને ધ્યાનમાં રાખીને રાજ્યો ઉચ્ચ શાળાના બાળકો માટે નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ આવનારી પેઢીને પર્સનલ ફાઇનાન્સની યોગ્ય સમજ મળશે. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પાસે પુખ્તવયના લોકો જેટલી જ નાણાકીય જવાબદારીઓ ન હોઈ શકે. પરંતુ, કેટલાકમાં ગંભીર નાણાકીય નિર્ણયો લેવાની ક્ષમતા હોઈ શકે છે. કિશોરવયના વિદ્યાર્થીઓ જ્યારે 18 વર્ષના થાય ત્યારે ક્રેડિટકાર્ડ મેળવી શકે છે. કોલેજના અભ્યાસ માટે સ્ટુડન્ટ લોન પણ લઈ શકાય છે.