શહેરમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે કુવાડવા પોલીસ ચોકી પાસે બેકાબૂ કન્ટેનરે બાઇકને ઠોકરે લેતા કોઠારિયા રોડ પર રહેતા વેપારી અને તેના પત્નીનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે બી ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કોઠારિયા રોડ પર કપડાનો શો-રૂમ ચલાવતા વેપારી તેના પત્ની સાથે ગુંદા ગામે માતાજીના દર્શન કરી ઘેર આવતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. પોલીસે ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કુવાડવા રોડ પર મેંગો માર્કેટ નજીક કુવાડવા પોલીસ ચોકી પાસે બેકાબૂ કન્ટેનરે બાઇકને ઠોકરે લેતા ગંભીર રીતે ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા બી ડિવિઝન પોલીસ મથકના પીએસઅાઇ એ.આર.ચૌધરી સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક કોઠારિયા રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતા લાલજીભાઇ ભગવાનજીભાઇ રૈયાણી (ઉ.વ.63)અને તેના પત્ની ભાવનાબેન (ઉ.વ.49) હોવાનું બહાર આવતા પોલીસે તેના પરિવારને જાણ કરી તેની પૂછતાછ કરતા મૃતક લાલજીભાઇ કોઠારિયા રોડ પર કૈલાસ સિલેકશન નામનો કપડાનો શો-રૂમ ચલાવતા હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોય તેના વતન ગુંદા ગામે માતાજીના દર્શન કરી પરત ઘેર આવતા હતા ને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધવાની અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.