દેશમાં માતા અને બાળકોને ગંભીર પ્રકારના રોગો સામે રક્ષણ આપવા માટે ખાસ 'રાષ્ટ્રીય રસીકરણ અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં રસીકરણની મેગા ડ્રાઈવ યોજાઈ હતી. આ ડ્રાઈવમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન 375 જેટલા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને વિવિધ બીમારીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
શહેરની રસીકરણની ડ્રાઈવ દરમિયાન પોલીયો, ધનુર, ઓરી, રુબેલા, ન્યુમોનિયા, બાળકોમાં થતા ઝાડાની સમસ્યા, બાળ ટીબી, ડીપ્થેરીયા, પોર્ટુશિશ, હીમોફેલિયા, ઝેરી કમળો જેવા જુદા-જુદા રોગો સામે બાળકોને રક્ષણ આપતી રસીઓ આપવામાં આવી હતી. રાજકોટમાં રસીકરણ માટે બાળકોનો સર્વે કરી, જે બાળકોએ એક વર્ષ અગાઉ કોઈપણ રસીનો ડોઝ લીધેલ હોય પરંતુ, કોઈ કારણોસર છેલ્લા એક વર્ષ દરમિયાન કોઈપણ રસીનો એકપણ ડોઝ લીધેલ ન હોય એવા બાળકોને શોધીને તેઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.