બ્રિટનમાં 16થી 59 વર્ષની વયના ચોથા ભાગના પુરુષોનું માનવું છે કે આજના જમાનામાં મહિલાઓ કરતાં પુરુષોની ભૂમિકા પડકારજનક છે. આ આંકડો 60 વર્ષથી વધુ વય જૂથમાં 17% છે. બીજી તરફ 16 ટકાનું કહેવું છે કે નારીવાદને લીધે લાભ કરતાં નુકસાન વધુ છે. કિંગ્સ કોલેજ લંડનની પોલિસી ઇન્સ્ટિટ્યૂટ અને ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વિમેન્સ લીડરશિપ દ્વારા કરવામાં આવેલા સરવેમાં આ માહિતી સામે આવી છે.
સરવેમાં 3,716 લોકોને સામેલ કરાયા હતા. પોલિસી ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રોફેસર બોબી ડફીનું કહેવું છે કે સામાન્ય રીતે યુવા પેઢીઓ સતત વિકસિત સામાજિક ધોરણોને મહત્ત્વ આપતાં હોય છે, તેઓ આ મહત્ત્વ તેમના જીવનનો કુદરતી ભાગ માનીને મોટા થાય છે. પરંતુ આ અભ્યાસમાં નવી અને અસામાન્ય પેઢીગત પેટર્ન બહાર આવી છે. આપણે જે જોઈ રહ્યા છીએ તે લિંગ સમાનતા પ્રત્યે યુવક અને યુવતીઓના વલણમાં ધ્રુવીકરણ છે.
યુવાન પુરુષો, સામાજિક રીતે વધુ ઉદાર હોવા છતાં કેટલાક કિસ્સાઓમાં લિંગ સમાનતા તરફનાં પગલાંના સમર્થનમાં હોતા નથી. તેના બદલે તેઓ પુરુષો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે વધુ ચિંતિત છે. પુરુષોનું માનવું છે કે સમાનતાના નામે મહિલાઓ પુરુષોની સાથે આગળ વધવાને બદલે પુરુષોનું સ્થાન લેવાનો પ્રયાસ કરી રહી છે. અન્ય એક અભ્યાસમાં બ્રિટનની કુલ વસ્તીના 17% લોકો માનતા હતા કે આગામી 20 વર્ષમાં મહિલા કરતાં પુરુષ બનવું વધુ મુશ્કેલ હશે.