ભારત આગામી કેટલાંક વર્ષોમાં દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનનાર છે અને આમાં સૌથી મોટી ભૂમિકા આપણા મિડલ ક્લાસની રહેશે. મધ્યમ અને અમીર વર્ગની કમાણી વધારવામાં સૌથી મોટો ફાળો ખાનગી સેક્ટરનો છે. મધ્યમ વર્ગમાં 30 ટકા અને અમીર વર્ગમાં 31 ટકા લોકોએ ખાનગી સેક્ટરમાં કામ કરીને આવક વધારી છે. 142 કરોડની વસતી ધરાવતા દેશમાં આશરે 43 કરોડ લોકો મધ્યમ વર્ગ (વાર્ષિક આવક 5-30 લાખ રૂપિયા)માં આવે છે. 2030-31 સુધી આની સંખ્યા 71.5 કરોડ અને 2046-47 સુધી 102 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. પીપુલ રિસર્ચ ઓન ઇન્ડિયાઝ કન્ઝ્યુમર ઇકોનોમી પ્રાઇસે 2014, 2016 અને 2021માં 25 રાજ્યોના 40 હજાર પરિવારોને આવરી લઇને 360 ડિગ્રીના સરવેમાં આ આંકડા સામે આવ્યા છે.
દેશમાં મધ્યમ વર્ગ છેલ્લાં નવ વર્ષમાં પાંચ ગણો વધ્યો છે. 1995થી 2021ની વચ્ચે આમાં વાર્ષિક 6.3 ટકાનો વધારો થયો છે. મધ્યમ વર્ગ વધવાથી ચાર સેક્ટર્સને સૌથી વધુ ફાયદો થયો છે. આ ચાર સેક્ટરોમાં રિયલ એસ્ટેટ, ઓટોમોબાઇલ, હોટલ અને ફાયનાન્સિયલ સર્વિસીસનો સમાવેશ થાય છે. એસબીઆઇ રિસર્ચ ડેટા મુજબ 2047 સુધી દેશમાં પ્રતિ વ્યક્તિ આવક 14.9 લાખ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. હાલમાં આ બે લાખ રૂપિયા છે. વર્ષ 2047 સુધી દેશની 61 ટકા વસતીની વાર્ષિક આવક પાંચથી 30 લાખ વચ્ચે રહેશે. જે હાલમાં 31 ટકાની આસપાસ છે.