શુક્રવારે ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો છે. તબીબી અને સુરક્ષા ટીમોએ હુમલાના સ્થળેથી નસરાલ્લાહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર હસનના શરીર પર હુમલાના કોઈ સીધા નિશાન નથી. જોરદાર વિસ્ફોટને કારણે થયેલ આઘાત તેના મૃત્યુ પાછળનું કારણ માનવામાં આવે છે.
અહીં રવિવારે ઇઝરાયલે લેબનનની સરહદ પર ટેન્ક તૈનાત કરી હતી. અલજઝીરાએ તેમની તસવીરો પણ જાહેર કરી છે. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, તેને નસરાલ્લાહ પર હુમલાની જાણ હતી. ફાઈટર પ્લેન ઓપરેશન માટે ઉડાન ભર્યા બાદ ઇઝરાયલે તેને જાણ કરી હતી.
જો કે ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઓપરેશન શરૂ કરતા પહેલા જ અમેરિકાને સંદેશો મોકલ્યો હતો. બીજી તરફ, નસરાલ્લાહના મૃત્યુ પછી પણ, ઇઝરાયલે શનિવારે (28 સપ્ટેમ્બર) લેબનનમાં હુમલા ચાલુ રાખ્યા હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, લેબનનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ હુમલાઓમાં 33 લોકોના મોત થયા છે, જ્યારે 195 લોકો ઘાયલ થયા છે. એનવાયટીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઇઝરાયલે નસરાલ્લાહને મારવા માટે 27 સપ્ટેમ્બરે 8 ફાઈટર પ્લેન મોકલ્યા હતા.
તેના દ્વારા હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર 2 હજાર પાઉન્ડના 15 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ અમેરિકન બનાવટના BLU-109 બોમ્બ હતા, જેને બંકર બસ્ટર પણ કહેવામાં આવે છે. આ સ્થાન પર ભૂગર્ભમાં ઘૂસીને વિસ્ફોટ કરવા સક્ષમ છે.