તીર્થધામ અંબાજીમાં મા અંબાના રાજભોગ સમાન મોહનથાળનો પ્રસાદ પૂરો થતાં શુક્રવારે બપોર 1.16 વાગ્યાથી વિતરણ બંધ કરી દેવાયું હતું. બીજી બાજુ, હજુ સુધી પ્રસાદ બનાવતી એજન્સીને નવો પ્રસાદ બનાવવાનો ઓર્ડર અપાયો નથી. પરિણામે હવે ભક્તોને માતાજીની પરમ આસ્થા સમાન મોહનથાળનો પ્રસાદ નહીં જ મળે.
શુક્રવારે દૂરદૂરથી મા અંબાના દર્શનાર્થે આવેલા માઈભક્તોએ મોહનથાળનો પ્રસાદ નહીં મળતાં વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે, આ નિર્ણય શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ખિલવાડ સમાન છે. જ્યારે સ્થાનિક અંબાજીવાસીઓ પણ મંદિરના પ્રસાદ બાબતે લેવાયેલા તઘલખી નિર્ણય અંગે ભારે ટીકા, રોષ અને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિક માઇભક્ત સુનિલભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, મોહનથાળ જ માતાજી અને અંબાજીની આગવી ઓળખ છે. મંદિરની સ્થાપના થઈ ત્યારથી પ્રસાદની પરંપરા છે. જેની સાથે વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓની પણ પરમ આસ્થા સમાયેલી છે.