કોવિડ બાદ દેશમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ ચાર ગણું વધ્યું છે. 80%થી વધુ રિટેલ પેમેન્ટ યુપીઆઇ મારફતે કરવામાં આવ્યું છે. પરંતુ કુલ ડિજિટલ લેવડદેવડમાં યુપીઆઇનો હિસ્સો માત્ર 8.19% છે. RBIના એક રિપોર્ટ અનુસાર, યુપીઆઇ મારફતે લેવડદેવડ જે ઝડપથી વધી છે, તે ગુણોત્તરમાં લેવડદેવડની રકમ વધી નથી. ત્રણ વર્ષમાં સરેરાશ યુપીઆઇ લેવડદેવડનું કદ 52% ઘટ્યું છે. RBI અનુસાર કોવિડથી પહેલા ડિજિટલ પેમેન્ટનું સરેરાશ મૂલ્ય 10 હજાર રૂપિયાથી વધુ હતું. હવે તે ઘટીને 4,880 રૂપિયા થઇ ગયું છે.
કુલ 187 લાખ કરોડ રૂપિયાની ડિજિટલ લેવડદેવડમાં 15.33 લાખ કરોડ રૂપિયાની રિટેલ લેવડદેવડ જ યુપીઆઇ મારફતે થઇ છે. રસપ્રદ વાત એ છે કે ડિજિટલ લેવડદેવડ વધવા છતાં ત્રણ વર્ષમાં સામાન્ય લોકોની પાસે રોકડમાં પણ 26%નો વધારો થયો છે. તેનો અર્થ છે કે ડિજિટલ પેમેન્ટ વધવા છતાં લોકોનો રોકડ પ્રત્યેનો લગાવ યથાવત્ છે.