તમારું બાળક ઓનલાઇન ગેમિંગ દરમિયાન સાઇબર બુલિંગનો ભોગ તો નથી બની રહ્યું ને? આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે સંતાનોની સામાન્ય લાગતી ફરિયાદ પ્રત્યે પણ માતા-પિતાએ ધ્યાન આપવું જોઈએ. સિંગાપોરની ટચ કોમ્યુનિટી સર્વિસીઝના મુખ્ય અધિકારી અનીતા લો-લિમ કહે છે કે ઓનલાઇન ગેમમાં હાનિકારક વ્યવહાર વિવિધ સ્વરૂપે સામે આવી શકે છે. તેમાં બાળકોને બહિષ્કૃત કરવાનું પણ સામેલ હોય છે કારણ કે તેઓ અન્ય ગેમર્સની જેમ સારા નથી. તેમને ગાળો અપાતી હોય છે અથવા તો વારંવાર ધમકાવવામાં આવતા હોય છે.
લિમ જણાવે છે કે જ્યારે તમને ટીમના ખેલાડી તરીકે પસંદ કરવામાં ન આવે ત્યારે બાળમાનસમાં અસ્વીકૃતિની ભાવના જન્મે છે, જે તેમાં માટે માનસિક મૂંઝવણનું કારણ બને છે. લિમના મતે, જો શરૂઆતમાં જ તેની જાણ ન થાય તો આગળ જતાં ભવિષ્યમાં એ બાળકો માટે મોટી માનસિક સહિતની અન્ય મુશ્કેલીઓનું કારણ બની શકે છે. સૂચન આપતાં લિમ કહે છે કે પોતાનાં સંતાનો એકાએક એકાકી રહેવા લાગે ત્યારે માતા-પિતાએ ધ્યાન આપવું જોઈએ.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ પૉલિસી સ્ટડીઝના પ્રિન્સિપલ રિસર્ચ ફેલો કૅરોલ સૂને કહ્યું હતું કે તેમને ચિંતા છે કે પ્રતિક્રિયા આપવા વિશે જો યુવા ગેમર્સ અને તેનાં માતા-પિતા જાણતાં ન હોય તો ઓનલાઇન ગેમિંગથી મોટું નુકસાન થઈ શકે છે. ડૉ. સૂને કહ્યું, આપણે બદમાશીને જેને સ્વીકાર્ય ગણતા હોઈએ તેની દૃષ્ટિએ નહીં પરંતુ પીડિતના દૃષ્ટિકોણથી જોવી જોઈએ.