વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ઐતિહાસિક ઇમારત એવી આર્ટ્સ ફેકલ્ટી અને યુનિવર્સિટીની ઓળખ બની ગયેલા ગુંબજના રિસ્ટોરેશનની હાલ કામગીરી ચાલી રહી છે. વર્ષ-1880માં 8 લાખ 30 હજાર 150 રૂપિયામાં આ ઐતિહાસિક બિલ્ડિંગની સ્થાપના કરી હતી અને તેમાં 1881માં બરોડા કોલેજની શરૂઆત કરી હતી. 144 વર્ષ પછી પણ આ ઇમારત અડીખમ ઉભી છે. જો કે, ઐતિહાસિક ગુંબજ પ્રદૂષણને કારણે કાળો પડી ગયો હોવાથી તેનું મેઇન્ટનન્સ કરવું જરુરી છે. 18 મહિનામાં સમગ્ર ઇમારતનું રિસ્ટોરેશનનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
એમ.એસ.યુનિવર્સિટીના PRO પ્રો.હિતેશ રાવિયાએ જણાવ્યું હતું કે, 1881માં બરોડા કોલેજની સ્થાપના થઈ, ત્યારથી આ ગુંબજનું આકર્ષક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ રહ્યું છે. જે-તે સમયે વર્ષ-1880માં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે 8.30 લાખ રૂપિયાના આર્ટ્સ ફેકલ્ટીના આ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું. આજે આટલા વર્ષો પછી પણ આ બિલ્ડિંગની ધરોહર એવી જ છે. એટલા માટે જ હાલના વાઇસ ચાન્સેલર પ્રો.ડો. વિજયકુમાર શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ આર્ટ્સ ફેકલ્ટી અને ગુંબજનું રિનોવેશન અને રિસ્ટોરેશનું કામ શરૂ કરવામાં આવ્યું છે.