ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. આગામી 26 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહૂર્ત કરવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન મોઢેરાના સૂર્ય મંદિરની થીમ ઉપર બનાવવામાં આવશે. એરપોર્ટ કરતા પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. કાલુપુરથી લઈ સારંગપુર સુધીના રસ્તાને જોડવામાં આવશે.
રેલવે સ્ટેશન ડિમોલિશન કરીને નવું બનાવાશે
રેલવે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીના જોઇન્ટ જનરલ મેનેજર અપૂર્વ અવસ્થીએ સ્ટેશન રીડેવલોપમેન્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટની કામગીરી 36 મહિનામાં પૂર્ણ થશે. જેનો પ્લાન પણ નક્કી કરાયો છે. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટને લઈ બે મહિનાથી સર્વે અને રી લોકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ સ્ટેશન ડિમોલિશન કરીને નવું બનાવવામાં આવશે. જમીનથી 10 મીટર ઉપર એક એલિવેટેડ રોડ નેટવર્ક કાલુપુર બ્રિજ અને સારંગપુર બ્રિજને જોડતો બનાવવાશે. 2024 અને 2060ને ધ્યાને રાખીને પ્લાન બનાવ્યો છે. કાલુપુર અને સારંગપુરથી સીધા રેલવે સ્ટેશન પહોંચી શકાશે.