રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં અસામાન્ય વધઘટ જોવા મળી રહી છે. ગરમી અનુભવ્યા બાદ હવે અચાનકથી ઠાર પડ્યો અને હવે ફરીથી તાપમાન વધી રહ્યું છે. જેને કારણે શરદી-ઉધરસના વાયરલ કેસ વધી રહ્યા છે. નિષ્ણાતો જણાવે છે કે, હાલ દરિયા પર હવાના દબાણમાં વધઘટ થવાને કારણે તેની અસર અન્ય વિસ્તારના હવાના દબાણ અને દિશા પર પડતા તાપમાનમાં વધઘટ થઈ રહી છે. હવામાનની ભાષામાં દરિયાની સપાટી પર જ્યાં જ્યાં એક સરખું દબાણ હોય તે વિસ્તારોને જોડતી રેખાઓને આઈસોબાર કહેવાય છે.
આઈસોબાર હવાનું દબાણ દર્શાવે છે અને તે સિઝન મુજબ ફરતા આઈસોબારની જગ્યા અને વિસ્તાર ફરતો હોય છે. જેના કારણે દરિયાઈ સપાટી પર પવનની ઝડપ તેમજ તાપમાન ફરતા તેની સીધી અસર સપાટી પર અનુભવાય છે. હાલ મિશ્ર ઋતુ હોવાથી હવાના દબાણમાં સતત વધઘટ થઈ રહ્યું છે આ કારણે હવાની ગતિ અને ઝડપ ફરી રહી છે. જેને કારણે ક્યારેક તાપમાનમાં ઘટાડો આવે છે તો ક્યારે વધારો આવી જાય છે. ગત સપ્તાહની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય 3 ડિગ્રી વધારે હતું.
બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવ્યો હતો અને 24 તારીખે ન્યૂનતમ તાપમાન ઘટીને ફક્ત 12 ડિગ્રી રહ્યું હતું જે સામાન્ય કરતા 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું. 26મીએ ફરી પારો ઊંચકાયો 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ કારણે એક જ સપ્તાહમાં ગરમી તેમજ તુરંત જ ઠંડીનો અનુભવ થયો હતો જે ઘણા લોકો માટે વાઇરલ રોગચાળાનું કારણ બન્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર મિશ્ર ઋતુને કારણે તાપમાનમાં ઘટાડો અને હવામાં ભેજનું પ્રમાણ બંને વધે છે. આ સ્થિતિ બેક્ટેરિયા અને વાઇરસ માટે આશીર્વાદરૂપ બની જાય છે. જેને કારણે એક જ સપ્તાહમાં શરદી-ઉધરસના કેસ દોઢ ગણા થઈ ગયા છે.