સાળંગપુર હનુમાન મંદિર પરિસરમાં 200 કરોડથી વધુના ખર્ચે ગુજરાતનું પહેલું 8 માળના અને 1100 રૂમોવાળા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભુવનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડતાલ ગાદી આચાર્ય 1008 રાકેશપ્રસાદ તથા સંતોના હસ્તે 31 ઓક્ટોબરે લોકાર્પણ થશે. હરિપ્રકાશ સ્વામી સંકલ્પ, કોઠારી સ્વામી વિવેક સાગરદાસના માર્ગદર્શન અને વડતાલ ટેમ્પલ બોર્ડના સહકારથી રાજમહેલ જેવું આ યાત્રિક ભવન નિર્માણ પામ્યું છે. રાજમહેલ જેવું આ યાત્રિક ભવનનું એલિવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે, જેની ડિઝાઇન 4-5 વાર બનાવ્યા પછી સંતોએ હાલની ડિઝાઇન ફાઈનલ કરી હતી. બિલ્ડિંગમાં પ્રવેશતાં જ ઇન-આઉટના બે રેમ્પ બનાવ્યા છે.
જ્યાંથી અંદર પ્રવેશતાં જ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોન્જને ટક્કર મારે એવું રિસેપ્શન બનાવ્યું છે. આ ભવનમાં 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમ, યાત્રિકો પોતાના રૂમમાંથી જ જઈ શકે તેવી સીડી અને 10 હાઈ સ્પીડ એલિવેટર(લિફ્ટ)ની સુવિધા પણ છે.