આરબીઆઈએ તેની નાણાકીય નીતિમાં વ્યાજદર યથાવત્ રાખ્યા છે પરંતુ આગામી બેઠકમાં દર ઘટાડા તરફ પહેલું પગલું ભર્યું હોવાના કારણે શેરમાર્કેટમાં શરૂઆતી તબક્કામાં મજબૂતી જોવા મળી હતી પરંતુ અંતીમ કલાકમાં લાર્જકેપમાં પ્રોફિટબુકના કારણે સુધારો ધોવાઇ ગયો હતો અને સેન્સેક્સ 167.71 પોઈન્ટ ઘટીને 81467.1 બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં 684.4 પોઈન્ટ વધીને 82319.21 સુધી પહોંચ્યો હતો.
નિફ્ટી 31.20 પોઈન્ટ ઘટીને 24981.95 બંધ થયો હતો. વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર માસમાં જ 50000 કરોડ પાછા ખેંચી લીધા છે. તેની સામે સ્થાનિક રોકાણકારોએ તેટલી જ કિંમતનું રોકાણ ઉમેર્યું છે. સ્થાનિક રોકાણકારોના મજબૂત સપોર્ટના કારણે માર્કેટમાં મોટું કરેક્શન અટક્યું છે. માર્કેટ નિષ્ણાતોના મતે હજુ બજારમાં ફંડામેન્ટલ નબળા જણાઇ રહ્યાં છે. રોકાણકારોની મૂડી નજીવી વધી 462.24 લાખ કરોડ રહી હતી.
સ્મોલ અને મિડકેપ સેગમેન્ટમાં બે દિવસથી મજબૂત સ્થિતી રહી છે પરંતુ આ સુધારો હાલ જળવાઇ રહે તે મુશ્કેલ હોવાનું દર્શાવી રહ્યાં છે. સેન્સેક્સ પેકમાં આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો અને એચડીએફસી બેંક ઘટ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ 1.06 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.21 ટકા વધ્યા હતા જ્યારે સેક્ટોરલ ઇન્ડેક્સમાં રિયાલ્ટીમાં 2.21 ટકા, હેલ્થકેરમાં 1.68 ટકા, પાવરમાં 1.18 ટકા, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં 1.09 ટકા, ઈન્ડસ્ટ્રીયલમાં 0.96 ટકા અને ઓટોમાં 0.84 ટકાનો વધારો થયો છે. જ્યારે એફએમસીજી 1.31 ટકા, એનર્જી 0.78 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.64 ટકા અને મેટલ 0.08 ટકા ઘટ્યા હતા.