રૂ. 75 હજાર કરોડની પીએમ સૂર્ય ઘર નિ:શુલ્ક વીજળી યોજનાને કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે મંજૂરી આપી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સૌર પૅનેલ લગાવનારને 300 યુનિટ વીજળી નિ:શુલ્ક મળશે. યોજનામાં 1 કરોડ ઘર પર સોલાર પૅનેલ લગાવાશે. તે માટે કેન્દ્ર સરકાર રૂ. 78 હજાર સુધીની સબસિડી આપશે. 300માંથી વધેલા યુનિટ વેચાશે તો વપરાશકારને વાર્ષિક રૂ. 15 હજાર સુધીની આવક થશે.
300 યુનિટથી વધુ વપરાશ થાય તો કેટલાનું બિલ બનશે, એ નક્કી નથી. આ યોજનાથી અંદાજે 17 લાખ નોકરીની નવી તક ઊભી થશે. આ ઉપરાંત, રૂ. 1.26 લાખ કરોડમાં દેશમાં પહેલાં કોમર્શિયલ સેમી કન્ડક્ટર ફેબ બનાવાશે. તેનું નિર્માણ આગામી 100 દિવસમાં શરૂ થશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ફેબ તાતા અને તાઇવાનની કંપની પાવરચિપ બનાવશે. તેમાં વાર્ષિક 300 કરોડ ચિપ બનશે. તેનો ઉપયોગ કમ્પ્યૂટર, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ટેલિકોમ, ડીફેન્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ઑટોમોબાઇલ, પાવલ ઇલેક્ટ્રોનિક્સમાં થશે. ઉપરાંત અન્ય 2 યુનિટ સ્થપાશે તેનાથી 80 હજાર જેટલી નવી નોકરીની તકો ઊભી થશે.
સોલાર સ્કીમ માટે કઈ રીતે એપ્લાય કરશો?
pmsuryaghar.gov.in/ પર જાઓ. એપ્લાય ફોર રૂફટોપ સોલારના વિકલ્પ પર ક્લિક કરો. રજિસ્ટ્રેશન પેજ ખૂલશે. તેમાં માહિતી ભરી દો. પછી ડિસ્કોમથી ફિઝિબિલિટી એપ્રૂવલ મળતાં જ રજિસ્ટર્ડ વેન્ડરનો સંપર્ક કરો. ઇન્સ્ટોલેશન પછી નેટ મીટર માટે અરજી કરો. મીટર લગાવ્યા પછી ડિસ્કોમની ટીમ નિરીક્ષણ કરશે અને કમિશનિંગ સર્ટિફિકેટ આપશે.