ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા આયોજીત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરત ખાતે રૂ.10.99 કરોડના ખર્ચે તૈયાર થનારા 66 કે.વી. સબ સ્ટેશનનું કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજયમંત્રી મુકેશભાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
મંત્રી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ વીજળી, પાણી, ખેતી, ઉધોગ તમામ ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહ્યું છે. યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી રાજ્ય સરકાર પહોંચાડી રહી છે. સોલાર રૂફ-ટોપ પાવર ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય નંબર - 1 બન્યું છે.ઓલપાડ તાલુકાના ભાંડૂત ગ્રામજનોએ આધુનિક યુગમાં સોલાર પમ્પ જેવી આધુનિક ટેકનોલોજી અપનાવીને ડિઝલ મુક્ત ગામ બન્યું છે. ઓલપાડના ભૌગોલિક સ્થિતિના આધારે દરેક ક્ષેત્રે સમાન્તર વિકાસ થયો હોવાનું તેમણે કહ્યું હતું.
આ સબ સ્ટેશન બનવાથી 8 કિ.મી. વિસ્તારના ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાવાળો વીજ પૂરવઠો પ્રાપ્ત થશે. આ સબ સ્ટેશનમાં કુલ 11 કે.વી.ના 4 ફીડરો હશે અને તે 4900 ચો.મી.વિસ્તારમાં ઉભું કરવામાં આવશે. આ સબસ્ટેશન દ્વારા નજીકના વિસ્તારોને સીધો જ લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવશે.