અમેરિકામાં સુપર ટ્યૂઝડે બાદ રાષ્ટ્રપતિ પદ માટે રાષ્ટ્રપતિ બાઇડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી સ્પર્ધા થવાની શક્યતા છે. દરમિયાન ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારોને લઇને ચર્ચા છેડાઇ છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની સ્પર્ધામાં હવે ભારતવંશી ઉમેદવારોની દાવેદારી મજબૂત થઇ રહી છે. સાઉથ કેરોલિનાની પૂર્વ ગવર્નર નિક્કી હેલી, બિઝનેસમેન વિવેક રામાસ્વામી ઉપરાંત અમેરિકન હિન્દુ તુલસી ગેબાર્ડ રેસમાં આગળ છે.
તાજેતરમાં ટ્રમ્પને તેમના ઉપરાષ્ટ્રપતિ પદનાં છ નામ કોણ કોણ હોઇ શકે છે તેવો પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ટ્રમ્પે રામાસ્વામી, તુલસી ગેબાર્ડ, રોન ડિસેન્ટિસ, ટિમ સ્કોટ, બાઇરોન ડોનાલ્ડ અને ક્રિટી નોએમનાં નામ આપ્યાં હતાં.
નિક્કી હેલી, પૂર્વ ગવર્નર, સાઉથ કેરોલિના
નિક્કીએ ટ્રમ્પને વોશિંગ્ટન અને વેરમોન્ટ રાજ્યમાં હાર આપી હતી. હેલીની સૌથી મોટી તાકાત એ છે કે ફન્ડિંગ માટે તેમને કેટલાક મોટા કોર્પોરેટ અને બિઝનેસમેનનું સમર્થન છે. તેઓ ટ્રમ્પ પર અનેકવાર કઠોર ટિપ્પણી કરી ચૂક્યાં છે.
વિવેક રામાસ્વામી, ભારતવંશી બિઝનેસમેન
રાષ્ટ્રપતિની રેસમાં સામેલ રહેલા વિવેક રામાસ્વામીએ અગાઉ ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરીને પોતાના અભિયાનને ખતમ કરવાની વાત કરી હતી. હવે તેઓ ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે છે.
તુલસી ગેબાર્ડ- અમેરિકન હિન્દુ, પૂર્વ ગવર્નર
અમેરિકન હિન્દુ તુલસી ગેબાર્ડ રિપબ્લિકન પાર્ટીમાં આવતા પહેલાં ડેમોક્રેટિક પાર્ટીમાં હતાં. જ્યાં તેઓ 2020માં રાષ્ટ્રપતિના ઉમેદવારોમાં સામેલ હતાં. તેઓ ટ્રમ્પ માટે ફંડ રાઇઝિંગ કાર્યક્રમમાં સામેલ થશે.
રોન ડિસેન્ટિસ
ટ્રમ્પ સમર્થક ડિસેન્ટિસ 2019થી ફ્લોરિડાના ગવર્નર રહ્યા છે. કોવિડ અને ઇયાન તેમજ તોફાનમાં તેમના રાહતકાર્યોથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા હતા.