અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં SRPF(સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ)નું મુખ્ય મથક આવેલું છે. હાલમાં ત્યાં SP તરીકે મંજીતા વણઝારા ફરજ બજાવે છે. તેમના દ્વારા છેલ્લા 2 વર્ષથી પોલીસ પરિવારની મહિલાઓને વિવિધ સ્કિલ શીખવવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. હાલમાં અમદાવાદ ગ્રુપ એસઆરપીએફ જવાનના લગભગ 3000થી પણ વધુ પરિવારજનોએ અમદાવાદના ક્વાર્ટર્સમાં રહે છે. ત્યાં તેમને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સાથે ખાસ કરીને પોલીસ પરિવારના સભ્યોની માતા, બહેનો, દીકરીઓ અને પત્નીઓને પગભર કરવા માટે બપોરના સમયે તમને પોતાના રસના વિષયની ટ્રેનિંગ આપવામાં આવે છે.
ગુજરાતમાં એસઆરપીએફ જવાન તરીકે ફરજ બજાવતા અમૃત પટેલની દીકરી શીતલ હેડ ક્વાટર્સમાં ચાલતા પોલીસ પરિવાર કલ્યાણ કેન્દ્રમાંથી બ્યુટીપાર્લરનો કોર્સ કર્યા બાદ હાલમાં પોતાનો ખર્ચો જાતે જ ઉઠાવે છે. આ ઉપરાંત મડ આર્ટ પણ આજ કેન્દ્રમાંથી શીખ્યા હતા અને વિવિધ શુશોભનની વસ્તુઓ બનાવીને વેચાણ માટે પણ વિવિધ એક્સિબિશનમાં મૂકી હતી. શીતલબેનના અન્ય ચાર ભાઈ-બહેનો પણ તેમનાથી ઉંમરમાં નાના છે. પોલિસ પરિવાર કલ્યાણ કેન્દ્રમાંથી ટ્રેનિંગ મેળવ્યા બાદ જે પણ કમાણી કરે છે, તેમાંથી પોતાના ભાઈ-બહેનોને પણ મદદ કરે છે. આ કેન્દ્રમાં એસઆરપીએફ જવાનના પરિવારની મહિલાઓને નિશુલ્ક સ્કિલ શીખવવામાં આવે છે, જેમાં સિલાઈ કામ, મડ આર્ટ, બ્યૂટીપાર્લર વર્ક, લેધર વર્ક વગેરે શીખવવામાં આવે છે. શીતલબેન છેલ્લા સાત મહિનાથી સાથે જોડાયેલા છે. તેમણે આ કેન્દ્રમાંથી શીખીને અત્યારે હાલમાં પોતાની જાતે હોમ સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. તેમાં ખાસ કરીને ત્યાં ક્વાટર્સમાં જ રહેતી બહેનોને બ્યૂટીપાર્લરની સર્વિસ આપે છે. તે ઉપરાંત બહાર પણ દુલ્હનને તૈયાર કરવા માટે જાય છે.