ભારતમાં ડ્રગના નશાને લઈને ગંભીર આંકડાઓ સામે આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે કરાયેલા એક સરવેમાં સામે આવ્યું છે કે 10થી 75 વર્ષની વયજૂથમાં ડ્રગ્સના બંધાણીઓની સંખ્યા 37 કરોડને પાર પહોંચી છે. આ સંખ્યા વિશ્વના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ અમેરિકા કરતાં વધુ છે.
આ સરવે AIIMSના નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા સમાજ કલ્યાણ અને સશક્તીકરણ મંત્રાલય દ્વારા હાથ ધરાયો હતો. નશાની લતમાં દારૂ પીનારાઓની સંખ્યા 16 કરોડ સુધી પહોંચી છે, જે રશિયાની વસ્તી જેટલી છે. દારૂ પીનારાઓમાં લગભગ 19 ટકા એવા છે જેઓ દારૂ વિના રહી શકતા નથી.
સરવે મુજબ, 17 વર્ષથી ઓછી ઉંમરનાં 20 લાખ બાળકો એવાં છે જેઓ ગાંજાના વ્યસની છે અને 2.26 કરોડ લોકો એટલે કે કુલ વસ્તીના 2.1 ટકા લોકો અફીણ, હેરોઈન અને બ્રાઉન જેવી ડ્રગ્સના નશામાં સપડાયેલા છે. વ્યસનમુક્તિ અભિયાન માટે દેશના 272 જિલ્લાઓની પસંદગી કરાઈ હતી, જે દારૂ અને અન્ય પ્રકારના ડ્રગ્સ માટે સંવેદનશીલ ગણવામાં આવ્યા છે. બાદમાં તેમાં વધુ 100 જિલ્લાઓનો સમાવેશ કરાયો હતો. હવે આ ઝુંબેશ હેઠળ 3.34 કરોડ યુવાનોને વ્યસનમુક્ત કરવા માટે સંપર્ક કરાયો છે.
10થી 17 વર્ષની વય જૂથનાં બાળકોમાં અફીણ, ડ્રગ્સ જેવા નશાનો ઉપયોગ વધી રહ્યો છે. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, બિહાર, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને પ.બંગાળ સામેલ છે.