બ્રિટનમાં 25 હજાર તબીબોની ઘટ છે ત્યારે નેશનલ હૅલ્થ સર્વિસ (એનએચએસ)માં તબીબોની ઘટ પૂરી કરવા માટે ભારતથી 2 હજાર તબીબોને બ્રિટન મોકલવામાં આવશે. આ માટે ભારતનાં 9 મુખ્ય શહેર, મુંબઈ, ગુરુગ્રામ, નાગપુર, ઇન્દોર, ચેન્નાઈ, દિલ્હી, કાલીકટ, બૅંગલુરુ અને મૈસૂરની મોટી હૉસ્પિટલોમાં તાલીમ કેન્દ્રો શરૂ કરી દેવાયાં છે. એનએચએસ ભારતીય તબીબોને ફાસ્ટ ટ્રેક પીજી પ્રોગ્રામ હેઠળ પહેલી બેચમાં તાલીમ આપશે.
6થી 12 મહિનાની તાલીમ પછી આ તબીબોને બ્રિટનની હૉસ્પિટલોમાં નિમણૂક અપાશે. અહીં 2 વર્ષ માટે નોકરી કરી શકશે. એનએચએસ જ આ તબીબો માટે વીઝા સ્પોન્સર કરશે. તાલીમ લેનારા ભારતીય પીજી તબીબોને પીએલએબી પરીક્ષા નહીં આપવી પડે અને એ તેમના માટે સૌથી લાભદાયી છે. બ્રિટનમાં કામ કરવા માટે આ આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં પાસ થવાનું ફરજિયાત હોય છે.
બ્રિટનમાં અત્યારે 30 હજારથી વધુ ભારતીય તબીબો કામ કરી રહ્યા છે. ફાસ્ટ ટ્રેક પીજી પ્રોગ્રામ પચી આવનારાં 10 વર્ષમાં ભારતીય તબીબોની સંખ્યા બેગણી થવાની શક્યતા છે. એનએચએસના ચીફ એક્ઝિક્યુટિવ રહી ચૂકેલા સાઇમન સ્ટીવન્સે ભાસ્કરને જણાવ્યું હતું કે ભારતથી આવનારા તબીબો માટે બ્રિટનની પ્રતિષ્ઠિત સાઉથ વેલ્સ, બોલ્ટન અને પ્લેમાઉથ યુનિવર્સિટીમાં વિશેષ તાલીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.