ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને નાણાકીય વર્ષ 2024-25માં કુલ 10.41 કરોડ રૂપિયા સેલરી મળી છે. અદાણીને આ સેલરી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી ફક્ત બે કંપનીઓમાંથી મળી હતી. આ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે.
તેમને અદાણી એન્ટરપ્રાઇઝ તરફથી સેલરી તરીકે 2.26 કરોડ રૂપિયા અને ભથ્થા તરીકે 28 લાખ રૂપિયા મળ્યા, એટલે કે કુલ 2.54 કરોડ રૂપિયા. તેમજ, તેમને અદાણી પોર્ટ્સ તરફથી પગાર તરીકે 1.8 કરોડ રૂપિયા અને 6.07 કરોડ રૂપિયા કમિશન મળ્યું. જે કુલ 7.87 કરોડ રૂપિયા થયું. નાણાકીય વર્ષ 2023-24માં, ગૌતમ અદાણીને સેલરી તરીકે 9.26 કરોડ રૂપિયા મળ્યા, એટલે કે આ વખતે તેમની સેલરીમાં લગભગ 12%નો વધારો થયો છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 5.75 લાખ કરોડ રૂપિયા છે, તેઓ વિશ્વના 24મા સૌથી ધનિક વ્યક્તિ છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ છે. ઈલોન મસ્ક 33.78 લાખ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ટોપ પર છે.