અમેરિકાની સ્પેસ ટ્રાવેલ કંપની સ્પેસ VIP ટૂંક સમયમાં જ સ્પેસમાં ડિનર કરાવશે. કંપનીએ છ કલાકની હાઇ-ટેક સ્પેસ બલૂન યાત્રાનું નેતૃત્વ કરવા માટે મિશેલિન સ્ટાર રેસ્ટોરન્ટમાંથી નેધરલેન્ડના શેફ રસમસ મુંકને હાયર કર્યા છે. આ યાત્રા માટે 6 લોકોને પસંદ કરવામાં આવશે, જેમને પૃથ્વીના વાતાવરણથી 99% ઉપર ડિનર કરાવવામાં આવશે.
આ માટેની ટિકિટની કિંમત લગભગ 4.10 કરોડ રૂપિયા હશે. આ 6 કલાકની યાત્રા આવતા વર્ષે શરૂ થશે. આ યાત્રા માટે સ્પેસ VIP કંપની સ્પેસ પર્સપેક્ટિવ કંપનીના સ્પેસશીપ નેપ્ચ્યુનનો ઉપયોગ કરશે. તે ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી તેની પ્રથમ ઉડાન ભરશે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, સ્પેસ બલૂન દરિયાની સપાટીથી 1 લાખ ફૂટની ઊંચાઈએ પહોંચતા જ સ્પેસ બલૂનમાં હાજર મુસાફરોને વાઈફાઈની સુવિધા મળશે. આના દ્વારા તેઓ સોશિયલ મીડિયા પર તેમની સફરને લાઈવ સ્ટ્રીમ કરી શકશે. આ સિવાય તેઓ તેમના મિત્રો અને પરિવાર સાથે પણ જોડાઈ શકશે. યાત્રીઓને સૂર્યોદય જોવાની તક પણ મળશે.
આ સિવાય સ્પેસ બલૂનમાં મુસાફરોને ખાસ ડિનર પીરસવામાં આવશે. શેફ રસમસ મંક આ માટે ખાસ મેનુ તૈયાર કરી રહ્યા છે. તે સ્પેસની થીમ પર આધારિત હશે. જો કે હજુ મેનુ ફાઈનલ થયું નથી. શેફ રસમસ કોપનહેગનની રેસ્ટોરન્ટ અલ્કેમિસ્ટમાં કામ કરે છે. છેલ્લા 4 વર્ષમાં તેને તેના ઉત્તમ ભોજન અને સુવિધા માટે બે વાર મિશેલિન સ્ટાર મળ્યો છે.