રાજકોટમાં શ્રીહરિ નમકીન, બાલાજી એસ્ટેટ અને મોદી એસોસિએટમાં ગત સપ્તાહે જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. આ તપાસ ગુરુવારે પૂર્ણ થઈ હતી. કુલ ત્રણ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શ્રીહરિ નમકીન અને બાલાજી એસ્ટેટમાંથી રૂ.53 લાખની ટેક્સચોરી ઝડપાઈ છે. જ્યારે મોદી એસોસિએટમાં હજુ તપાસ ચાલુ છે. જ્યાં તપાસ પૂર્ણ થઇ છે ત્યાંથી મળી આવેલા બેનામી દસ્તાવેજો અને ટેક્સચોરીનો રિપોર્ટ અમદાવાદ મોકલવામાં આવ્યો છે.
જીએસટીની તપાસમાં અેવું જાણવા મળ્યું છે કે, જ્યાંથી ટેક્સચોરી ઝડપાઈ છે ત્યાં મોટે ભાગે રોકડમાં વ્યવહારો થતા હતા. જ્યારે તેમજ બિલ પણ બનાવવામાં આવતા નહોતા. જ્યારે મોદી એસોસિએટમાં તપાસ ચાલુ હોય ત્યાંથી મોટા પ્રમાણમાં ટેક્સચોરી ઝડપાઈ તેવી સંભાવના છે. વધુમાં તપાસનીશ અધિકારીઓના જણાવ્યાનુસાર રાજકોટમાં પહેલી વાર રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. શ્રીહરિ નમકીન અને બાલાજી એસ્ટેટમાં જેને પણ રોકડ અને ખરીદ-વેચાણના વ્યવહારો કર્યા છે તેના નામની યાદી બનાવવામાં આવી છે અને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ટેક્સચોરીની સાથે સાથે પેનલ્ટીની પણ વસૂલાત કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું છે. મોદી એસોસિએટમાં શનિવાર સુધીમાં તપાસ પૂરી થશે.