કપરાડાની ગાઢવી પ્રાથમિક શાળામાં દિવાળી વેકેશનના છેલ્લા દિવસે પાંચ જેટલા શિક્ષકો પ્રાથમિક શાળાના મકાનમાં દારૂ પીતા રંગે હાથ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગાઢવી ગામ પંચાયતના સરપંચન મોહનભાઇના હાથે પકડાય જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.વેકેશનના કારણે આ પ્રકરણ બહાર આવ્યું ન હતુ,પરંંતુ ગાઢવી પ્રાથમિક શાળાના આ 5 શિક્ષકોની બદલી ન થતાં ગ્રામજનોએ તાજેતરમાં બે દિવસ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા ગામમાં દારૂડીયા શિક્ષકોની જરૂર નથી. જેની બદલી કરવામાં આવે.બે દિવસના હોબાળા બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ધરમપુર અને વલસાડ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપી છે. પરંતુ ઝડપથી કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ વધી રહ્યો છે. બીજી તરફ કેટલાક ઉચ્ચ શિક્ષકોએ આ સમગ્ર મામલાને દબાવી સમાધાનના પ્રયાસો કર્યા હતાં. હવે સમગ્ર કિસ્સામાં વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દારૂડિયા શિક્ષકો સામે શું કાર્યવાહી કરે તેના પર સૌની મીટ છે.
શાળાની ટેરેસ પર દારૂની પાર્ટીમાં અલગ-અલગ ચર્ચાઓ
સ્થાનિકોના જણાવ્યાં મુજબ ગાઢવી પ્રાથમિક શાળામાં પહેલા બે શિક્ષકો દ્વારા દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ તેમણે અન્ય શિક્ષકોને બોલાવ્યા હતાં. દારૂની મહેફિલ શરૂ થયા બાદ મહેફિલનું આયોજન કરનાર નિકળી ગયા હતાં. ત્યારબાદ દારૂની પાર્ટીમાં રેડ પડે છે અને શિક્ષકો રંગે હાથ ઝડપાય જાય છે. જેના વિડિયો પણ ઉતારવામાં આવે છે અને સમાધાન માટેના પ્રયાસો પણ કરવામાં આવે છે. જેથી દારૂ પાર્ટીનું આયોજનાર કરનારે આ કૃત્યુ કર્યુ છે કે પછી અન્ય કોઇ વ્યક્તિનો હાથ છે તે અંગે ગ્રામજનોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.